CM Bhupendra Patel News: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશાળ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે તેમણે દેશભરમાં ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનને ‘હર દિલ તિરંગા’નું જનઆંદોલન બનાવવાનો આહ્વાન કર્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો તિરંગા સાથે જોડાયા હતા.
ગાંધીનગરના ગ-6 સર્કલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા અક્ષરધામ મંદિર સુધી પહોંચી હતી. આશરે 2.4 કિલોમીટરના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ બેન્ડ અને નાસિક ઢોલના તાલે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલ ‘ડેરડેવિલ્સ શો’ પણ યાત્રાનું ખાસ આકર્ષણ બન્યો હતો.
‘તિરંગા યાત્રા એકતા અને અખંડિતતાની યાત્રા’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગને યાદ કરવાનો અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને મજબૂત કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે તિરંગા હાથમાં લઈને અને હૃદયમાં ભારતભક્તિ સાથે યાત્રામાં જોડાવાથી ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની ભાવના વધુ મજબૂત બને છે.
CMએ વધુમાં જણાવ્યું હતું કે આજની પેઢી આઝાદીના લડવૈયાઓના ત્યાગ અને બલિદાનથી પ્રેરણા લે તથા ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના કેળવે તે તિરંગા યાત્રાનો મુખ્ય સંદેશ છે. વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા માટે દેશના દરેક નાગરિકે અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
મોટી સંખ્યામાં નાગરિકો યાત્રામાં જોડાયા
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે તિરંગાને રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને અખંડિતતાનું પ્રતીક ગણાવી ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પને વધુ મજબૂત કરવાનો સંદેશ આપ્યો હતો. દેશભક્તિના રંગે રંગાયેલી યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાઓ અને ગાંધીનગરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ધારાસભ્યો, મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ, ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગાંધીનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.




