Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ આજે ભરૂચ ખાતે આયોજિત ખેડૂત સ્વાભિમાન સંમેલનમાં હાજરી આપી હતી. આ દરમિયાન પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આજે એક ખેડૂત સંમેલનમાં હાજરી આપવા માટે હું ભરૂચ ખાતે પધાર્યો છું. કંપનીઓ સાથે મળીને સરકાર બેફામપણે ખેડૂતોની સહમતિ વગર અને ખેડૂત સાથે વાતચીત કર્યા વગર હાઈટેન્શન લાઈનો નાખી રહી છે, તેના વિરોધમાં આજે ખેડૂત સંમેલન યોજાયું હતું. ચાર જેટલી હાઈટેન્શન લાઇન નખાઈ છે અને છ નોટિફિકેશન પડ્યા છે. આ હાઈટેન્શન લાઈનો કરોડીયાના જાળાની જેમ ભરૂચ અને તેની આસપાસના વિસ્તારમાં ફેલાવાની છે. લગભગ અંદાજે 250થી વધારે ગામોમાં ખેડૂતો અસરગ્રસ્ત છે. અહીંયા બુલેટ ટ્રેન સહિત બીજી કેટલી યોજનાઓમાં ખેડૂતોની જમીન ગઈ છે, હવે બાકી જમીન હાઈટેન્શન લાઈનના નામે આ લોકો પચાવી પાડવા માંગે છે. ખેડૂતો અને કંપનીએ મળીને આ કામ કરવું જોઈએ અને ખેડૂતોને પોસાય એ ભાવ આપીને કંપનીઓએ આ કામ શરૂ કરવું જોઈએ પરંતુ કંપની ખેડૂત પાસે જવાની જગ્યાએ સરકાર પાસે જાય છે. ત્યારબાદ સરકાર કંપનીની દલાલ બનીને અધિકારીઓને હુકમ કરે છે કે “જો ખેડૂતો ન માને તો ધોકાવાળી કરો”. તો અહીંયા સવાલ પેદા થાય છે કે સરકાર ખેડૂતોની છે કે કંપનીની છે?
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા Isudan Gadhviએ જણાવ્યું હતું કે, કંપનીઓ શું મફતમાં વીજળી આપશે? નહિ આપે. તો ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. ખેડૂતોની બીજી એ પણ માંગણી છે કે જ્યાં સુધી અમે વળતર મુદ્દે સહમત ન થઈએ ત્યાં સુધી કંપનીના માણસો કે સરકારના માણસો ખેતરમાં પગ ન મૂકે. અંગ્રેજોનો કાયદો દેખાડીને તંત્રને આગળ કરીને કંપનીઓની દલાલી કરવામાં આવી રહી છે, એ શરમની બાબત છે. આજે મેં માંગણી કરી છે કે બજાર કિંમતની ચાર ગણી રકમનું વળતર મળવું જોઈએ અથવા તો 25 વર્ષ પછીના ભાવ પ્રમાણે રકમ ચૂકવવામાં આવે અથવા દર મહિને ખેડૂતોને ભાડું ચૂકવવામાં આવે અથવા તો ખેડૂતોને પ્રોફિટમાં ભાગ આપવામાં આવે. આટલા આંદોલનો બાદ ભાજપે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બનાવી એટલા માટે ભાજપને અહંકાર આવી ગયો છે. પરંતુ હવે ખેડૂતો એક થઈ ગયા છે. એક ગામમાં લાઈન નખાતી હોય ત્યાં આખું ગામ એક થઈ ગયું છે અને લોકોને પોસ્ટર લગાવી રહ્યા છે. ફક્ત ભરૂચમાં જ નહીં પરંતુ 23 જિલ્લાઓમાંથી હાઈટેન્શન લાઈન નીકળશે. તો હવે આ વખતે ગુજરાતના તમામ 54 લાખ ખેડૂતોના પરિવારો એક થશે અને ખેડૂતો નક્કી કરશે કે આગામી સમયમાં પોતાની જાતિ કે જ્ઞાતિનો ભાજપનો આગેવાન આવશે એને અમે મત નથી આપવાના. જો આવું થશે તો જ ભાજપ ખેડૂતોની વાત માનશે.




