Niranjan Vasava AAP: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલ જમીન પર ખેતીના હકને લઈને ૩૦૦થી વધુ આદિવાસી ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા ધરણાં વધુ તેજ બન્યા છે. આ ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા તથા વર્ષાબેન વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ, ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રેમિલાબેન વસાવા, ચિકદા તાલુકા પંચાયતના રમેશભાઈ, મોરજડી જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલતાબેન, નર્મદા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પકજભાઈ, નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય સિમિત ના ચેરમેન દયારામભાઈ.ખોપી જિલ્લા પંચાયતના સદસ્ય ગિરધન વસાવા તેમજ અનિરુદ્ધભાઈ, જશવંતભાઈ, કનુભાઈ, સતિષભાઈ, માજી સૈનિક વિજયભાઈ તડવી, મગબૂલભાઈ દાયમા, રઘુભાઈ, કંચનભાઈ, ગોપાળભાઈ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ધરણા પર બેઠેલા નર્મદા જિલ્લા આપ પ્રમુખ Niranjan Vasavaએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આંદોલન કરી રહેલા લોકો મુખ્યત્વે ઉકાઈ ડેમના વિસ્થાપિતો છે, જેમના રોટી-બેટીના વ્યવહારો ઉમરપાડા તાલુકાના ગામો સાથે જોડાયેલા છે. આ ખેડૂતો વર્ષ ૨૦૦૨થી જમીનો ખેડીને પોતાનું ગુજરાન ચલાવતા આવ્યા છે. સાગબારા અને ઉમરપાડા તાલુકાના ઘણા દાવાઓનો નિકાલ થયો છે, પરંતુ હજુ પણ અનેક દાવાઓ પેન્ડિંગ છે. તેમણે પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે આ તમામ પેન્ડિંગ દાવાઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે. જે આદિવાસી ખેડૂતો વર્ષોથી ખેતી કરી રહ્યા હતા, તેમને છેલ્લા એક-દોઢ વર્ષથી ખેતી કરવા દેવામાં આવતી નથી. એટલું જ નહીં, વનવિભાગ દ્વારા સ્થાનિક આજુબાજુના ગામના લોકોને રોજમદાર તરીકે બોલાવીને તે જમીન પર બળજબરીથી વૃક્ષારોપણ કરાવવામાં આવી રહ્યું છે, અને જ્યારે આદિવાસી ખેડૂતો પોતાની જમીન ખેડવા જાય છે ત્યારે ફોરેસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા તેમની સાથે ઘર્ષણ કરવામાં આવે છે.

નિરંજન વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, એક જ વિસ્તારમાં રસ્તાની એક બાજુના ખેડૂતોને ખેતી કરવા દેવાય છે અને બીજી બાજુ આદિવાસી ખેડૂતોને ધરણા પર બેસવાની ફરજ પડે છે, જે સરકારની બેવડી અને ભેદભાવપૂર્ણ નીતિ દર્શાવે છે. જે આદિવાસીઓએ ઉકાઈ ડેમ માટે પોતાની જમીનો કમાવી દીધી હતી, તેઓ આજે પોતાના જ વિસ્તારમાં જમીન વિહોણા બની ગયા છે. આથી સરકાર, સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને તંત્ર સુરત તથા નર્મદા જિલ્લાની સરહદ પર વસતા આ ખેડૂતોના પેન્ડિંગ દાવાઓનું સત્વરે નિરાકરણ લાવે અને વૃક્ષારોપણ અટકાવી ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે ખેતી કરવા દે. જો આ આદિવાસી ખેડૂતોને તાત્કાલિક ન્યાય નહીં મળે, તો આવનારા દિવસોમાં ઉમરગામથી અંબાજી સુધીના તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજને આહવાન કરી સામાજિક સ્તરે આ આંદોલનને અત્યંત ઉગ્ર બનાવવામાં આવશે.