Sabarkantha News: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા હેડ કોન્સ્ટેબલ પર પોતાના જ પોલીસ સ્ટેશનના ASIની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. પ્રેમસંબંધનો અંત લાવવા મુદ્દે બંને વચ્ચે વિવાદ થતાં મહિલાએ પોતાના ભાઈ, પિતરાઈ ભાઈ અને મિત્ર સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો પોલીસનો દાવો છે. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કારમાં સળગાવી દેવામાં આવ્યો હતો.

અરવલ્લી LCBએ તપાસના અંતે મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફા કલાસવા (37), તેના ભાઈ કલ્પેશ (36), પિતરાઈ ભાઈ પંકજ (28) અને મિત્ર મનોજ નિનામા (33)ની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ અશ્વિન તાબિયાદ (45) તરીકે થઈ છે, જે છિતોડા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટરના પર્સનલ રાઇટર તરીકે ફરજ બજાવતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર 10 નવેમ્બરે ભિલોડા તાલુકાના પાદરા ગામની સીમમાં હાથમતી નદી પાસે એક બળેલી કાર મળી આવી હતી. કારમાંથી હાડપિંજરના અવશેષો મળ્યા હતા. અશ્વિનના પિતાએ અવશેષો પોતાના પુત્રના હોવાની શંકા વ્યક્ત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે અશ્વિન 8 નવેમ્બરની રાત્રે ફરજ પર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા, પરંતુ પાછા ફર્યા નહોતા.

તપાસમાં સામે આવ્યું કે અશ્વિન અને મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફા વચ્ચે પ્રેમસંબંધ હતો. પોલીસના દાવા મુજબ, આલ્ફા સંબંધનો અંત લાવવા માંગતી હતી, જ્યારે અશ્વિન સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો. 8 નવેમ્બરની રાત્રે આલ્ફાએ અશ્વિનને છિતોડા સ્થિત પોતાના ભાડાના મકાનમાં બોલાવ્યા હતા, જ્યાં તેમની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા બાદ આલ્ફાએ તેના ભાઈ કલ્પેશને બોલાવ્યો હતો. કલ્પેશ અને પિતરાઈ ભાઈ પંકજ મારુતિ ઈકો કારમાં પહોંચ્યા હતા. ત્રણેયે મૃતદેહને કોથળામાં મૂકીને આખો દિવસ ઘરમાં છુપાવ્યો હતો. ત્યારબાદ અશ્વિનની કારને કાનડેર ગામની સીમમાં મંદિર નજીકના જંગલ વિસ્તારમાં લઈ જઈ મૂકી આવ્યા હતા.

રાત્રે કલ્પેશે મિત્ર મનોજ નિનામાને બોલાવ્યો હતો. ત્યારબાદ ચારેય આરોપીઓએ મૃતદેહને બીજી કારમાં લઈ જઈ વિજયનગરના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ખરીદ્યું હતું. પોલીસના દાવા મુજબ, પેટ્રોલ છાંટીને કારને આગ લગાવવામાં આવી હતી, જેથી મૃતદેહ અને હત્યા સંબંધિત પુરાવાનો નાશ થઈ શકે.

અરવલ્લી પોલીસની ટીમે CCTV ફૂટેજ, ટેકનિકલ તપાસ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે તપાસ આગળ ધપાવી હતી. પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ખરીદી અને ગુનામાં વપરાયેલી કાર અંગેની કડીઓ મળતાં ચારેય આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.