Amit Chavda News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય Amit Chavdaએ રાજીવ ગાંધી ભવન ખાતે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નિષ્ફળતાઓને કારણે પેટ્રોલ-ડીઝલની અછતને કારણે સામાન્ય જનતા અને ખાસ કરીને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિમાં સરકારને આગોતરી ખબર હોવા છતા દેશમાં પૂરતો જથ્થો હોવાના અને ચિંતા ન કરવાના ભાજપ સરકારે મોટા મોટા દાવા કર્યા હતા, પરંતુ વાસ્તવિકતાનું તદ્દન અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે. હાલ ખેતીની મુખ્ય સીઝન ચાલી રહી છે ત્યારે ટ્રેક્ટરો માટે ડીઝલ મેળવવા સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના અન્ય ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને પેટ્રોલ પંપો પર ૫ થી ૧૨ કલાક સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, છતાં તેમને પૂરતું ઈંધણ મળતું નથી. આ ઉપરાંત, નોકરીએ જતા યુવાનોને મોટરસાયકલમાં પેટ્રોલ પુરાવવા માટે રઝળપાટ કરવો પડે છે, અને ફોર વ્હીલર ગાડીઓમાં પણ ચોક્કસ રકમનું જ ઈંધણ આપવાનું રેશનિંગ શરૂ કરી દેવાયું છે. આમ, અગાઉથી સંકટની જાણ હોવા છતાં યોગ્ય આયોજનના અભાવે આજે ગુજરાતનો ખેડૂત અને સામાન્ય નાગરિક દરેક રીતે હેરાન-પરેશાન થઈ રહ્યો છે.

એક તરફ દેશના વડાપ્રધાન વિદેશ પ્રવાસો ખેડીને મેલોડી ચોકલેટ આપીને ફોટોપડાવીને પોતાની વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે, જ્યારે બીજી તરફ દેશનો સામાન્ય નાગરિક, યુવાન અને ખેડૂત પાયાની સુવિધાઓ માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સરકારની સ્પષ્ટ નિષ્ફળતા છે. જનતાએ સત્તાધારી પક્ષને પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે મત આપ્યા નથી. સુખ-સુવિધા મેળવવી એ નાગરિકોનો અધિકાર છે. તેથી, વિપક્ષ પૂરતા પ્રમાણમાં ઇંધણનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવા સરકાર સામે માગણી કરીએ છીએ.