Gujarat EV Vehicles News: ગુજરાતમાં વાહનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જૂન 2026માં ગયા વર્ષના જૂનની સરખામણીમાં વાહનોના વેચાણમાં 25.22 ટકાનો વધારો થયો છે. ઇલેક્ટ્રિક વાહન (EV)નું વેચાણ સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર નોંધાયું છે. રિટેલ EV વેચાણમાં વાર્ષિક ધોરણે 80 ટકાથી વધુનો વધારો થયો છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરાયેલા જૂન 2026ના રિટેલ વાહન વેચાણ ડેટા રિપોર્ટમાં આ માહિતી બહાર આવી છે. રિપોર્ટ અનુસાર, જૂન 2026માં રાજ્યમાં કુલ 176,377 વાહનોનું વેચાણ થયું હતું, જે જૂન 2025માં 140,859 વાહનોનું વેચાણ થયું હતું. આ ગયા વર્ષની સરખામણીમાં 25.22 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

ડેટા અનુસાર, ટુ-વ્હીલરનું વેચાણ સૌથી વધુ રહ્યું છે. જૂન 2026માં 1,16,208 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું, જે જૂન 2025માં 1,00,612 હતું. આ શ્રેણીમાં વાર્ષિક ધોરણે 15.50 ટકાનો વધારો નોંધાયો છે. જૂન 2026માં પેસેન્જર વાહનોનું વેચાણ 35.055 થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 25,270 હતું. આ શ્રેણીમાં 38.72 ટકાનો વધારો નોંધાયો છે, જે બધી મુખ્ય શ્રેણીઓમાં સૌથી વધુ છે. વાણિજ્યિક વાહનો (CV) ના છૂટક વેચાણમાં પણ વધારો થયો છે. જૂન 2026માં 6942 વાણિજ્યિક વાહનોનું વેચાણ થયું હતું, જે જૂન 2025માં 5232 હતું, જે 32.68 ટકાનો વધારો દર્શાવે છે. થ્રી-વ્હીલરનું વેચાણ 6780 થી વધીને 7880 થયું છે, જે 16.22 ટકાનો વધારો દર્શાવે છે. ટ્રેક્ટર શ્રેણીમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. જૂન 2026 માં ટ્રેક્ટરનું છૂટક વેચાણ 9,585 હતું, જે જૂન 2025 માં 1,815 હતું. આ શ્રેણીમાં વાર્ષિક ધોરણે 428.10 ટકાનો અસાધારણ વધારો નોંધાયો છે.

EVsનો હિસ્સો 10%

FADA ગુજરાતના પ્રમુખ પ્રણવ શાહે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનો (EVs) ની માંગ નવી ઊંચાઈએ પહોંચી રહી છે. ઇલેક્ટ્રિક પેસેન્જર કાર અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બંનેની માંગ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. EVsનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે 80 ટકાથી વધુ વધ્યું છે. પરિણામે, કુલ છૂટક વાહનોના વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો પણ 10 ટકાથી વધુ થયો છે. આ વધારામાં ઘણા પરિબળો ફાળો આપી રહ્યા છે. વિવિધ સેગમેન્ટમાં નવા મોડેલોનું લોન્ચિંગ, અર્થતંત્રની સકારાત્મક સ્થિતિ, ગ્રાહક વિશ્વાસમાં વધારો, નીચા વ્યાજ દરો અને પેટ્રોલ, ડીઝલ અને CNGના વધતા ભાવ EV વેચાણમાં વધારાના મુખ્ય પરિબળો છે.