Manish Doshi Congress: ભારત સરકારના નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા “સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલિસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાન્સમેન્ટ” અહેવાલને આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લઈને ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણની સ્થિતિ સતત બગડી રહી છે અને તેના માટે ભાજપ સરકારની દિશાવિહીન અને ભ્રષ્ટ નીતિઓ સીધી જવાબદાર છે.
ડૉ. દોશીએ જણાવ્યું હતું કે દેશમાં પ્રાથમિક શિક્ષણમાં ૯૦.૯ ટકા જેટલો નોંધપાત્ર પ્રવેશદર હોવા છતાં વિદ્યાર્થીઓને શાળામાં ટકાવી રાખવાનો મોટો પડકાર છે. નીતિ આયોગના અહેવાલ મુજબ ઉચ્ચ માધ્યમિક સ્તરે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો માત્ર ૫૮.૪ ટકા છે જ્યારે માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ રેટ ૧૧.૫ ટકા નોંધાયો છે. ગુજરાતમાં આ સ્થિતિ વધુ ગંભીર હોવાનું જણાવી તેમણે કહ્યું કે રાજ્યમાં માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ રેટ ૧૬.૯ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધુ છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું માળખું તોડી પાડવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં ૯૩ હજારથી વધુ શાળાઓ બંધ થઈ રહી છે ત્યારે ગુજરાતમાં ૫૬૧૨ શાળાઓને તાળા મારવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. રાજ્યમાં શિક્ષણ પાછળ ₹૬૩,૧૩૪ કરોડ જેટલી જોગવાઈ હોવા છતાં મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.
અહેવાલ મુજબ ગુજરાતમાં ૨૦૨૫-૨૬ દરમિયાન આઉટ-ઓફ-સ્કૂલ બાળકોની સંખ્યામાં ૩૪૧ ટકાનો વધારો થયો છે. અગાઉ ૫૪,૫૪૧ વિદ્યાર્થીઓ સ્કૂલ બહાર હતા, જે વધીને હવે ૨.૪ લાખ સુધી પહોંચી ગયા છે. તેમાં ૧.૧ લાખ કિશોરીઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ રાજ્યમાં લગભગ ૪ લાખ વિદ્યાર્થીઓને આગલા તબક્કામાં પ્રવેશ માટે સીટ ન મળતા તેઓ અભ્યાસ છોડી દેવા મજબૂર બને છે.
ડૉ. દોશીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષકોની ભારે અછત છે. રાજ્યની ૨૯૩૬ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે અને ત્યાં ૧,૦૫,૧૩૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રાથમિકથી લઈને ઉચ્ચ માધ્યમિક સ્તર સુધી ગુજરાતમાં વિદ્યાર્થી દીઠ શિક્ષકનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા નબળો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ રાજ્યમાં ૪૨ હજાર વર્ગખંડોની અછત, જર્જરિત શાળાઓ અને બિનકાર્યક્ષમ ટોયલેટ જેવી સમસ્યાઓ શિક્ષણની હકીકત દર્શાવે છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે રાજ્યમાં શિક્ષણનું વધતું ખાનગીકરણ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. અનેક ખાનગી શાળાઓ આરટીઈના નિયમોનું ઉલ્લંઘન કરતી હોવા છતાં સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. “સમગ્ર શિક્ષા ગુજરાત”ના અહેવાલોમાં સુધારાના દાવા કરવામાં આવે છે, પરંતુ જમીન પરની હકીકત એકદમ વિપરીત હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.




