Isudan Gadhvi AAP News: ભાડથર જિલ્લા પંચાયત સીટની પેટાચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર વીરુભાઈ કંડોરિયાના સમર્થનમાં નાની ફોટ અને લાલુકા ગામે જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સંઘર્ષના દરેક કામમાં તુરંત સફળતા મળે તે જરૂરી નથી, પરંતુ જ્યારે પ્રજા પર આફત કે દુષ્કાળ આવે ત્યારે સાચા નેતાની પરીક્ષા થાય છે. ભાજપ શાસનમાં ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ રોડ, બ્રિજ અને સ્કૂલોના વિકાસના નામે રૂપિયા ખાઈ જાય છે અને ગરીબો શિક્ષણ તથા પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહે છે. સૌરાષ્ટ્રમાં જ્યારે અછત અને પાણીની કટોકટી ઊભી થઈ, ત્યારે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ અવાજ ઉઠાવીને સરકાર સામે મગફળીનો પાક બચાવવા કેનાલોમાંથી પાણી છોડાવવા માટે મજબૂત રજૂઆત કરી હતી.
વધુમાં Isudan Gadhviએ ઉમેર્યું હતું કે ખેડૂતોના પડતર પ્રશ્નો અને સુકાયેલા પાકની વાસ્તવિકતા શાસકો સમક્ષ લાવવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિધાનસભામાં સુકાયેલી મગફળી અને ઘાસ લઈને પહોંચ્યા હતા. ભાજપના નેતાઓ આંખે મોતિયાના ચશ્મા પહેરીને બેઠા હોવાથી તેમને ખેડૂતોની પીડા દેખાતી નથી. સત્તાધારી મંત્રીઓ વિધાનસભામાં એવો અહંકારી દાવો કરે છે કે રાજ્યમાં કોઈ ખેડૂત દુઃખી જ નથી અને વિરોધ પક્ષોની મજાક ઉડાડે છે. ઈસુદાન ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું કે, જેમ પરિવાર પર સંકટ આવે ત્યારે પરિવારના મોભીની બુદ્ધિ અને નેતૃત્વની કસોટી થાય છે, તેમ તાલુકા કે જિલ્લા પર આફત આવે ત્યારે સક્ષમ નેતા જ સોલ્યુશન લાવી શકે છે. ’આપ’ ના ધારાસભ્યો ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા અને હેમંત ખવા સરકારમાં ન હોવા છતાં સતત પ્રજા અને ખેડૂતોના હક માટે લડી રહ્યા છે, જેથી આ પેટાચૂંટણીમાં ખેડૂતો અને ગ્રામજનો પોતાના ભવિષ્ય માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુભાઈ કંડોરિયાને વિજયી બનાવે.




