Congress News: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને લઠ્ઠાકાંડની ઘટનાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાવનગરના તાજેતરના લઠ્ઠાકાંડને લઈને સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારની હપ્તાખોરીની નીતિના કારણે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. તેમના જણાવ્યા મુજબ, સરહદો પરથી મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં આવે છે અને રાજ્યમાં ગેરકાયદેસર દારૂ તથા ડ્રગ્સનું નેટવર્ક ફેલાઈ રહ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો કે આ સ્થિતિને કારણે યુવાનો અને અનેક પરિવારો પર ગંભીર અસર પડી રહી છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસની કામગીરી સામે સવાલ
કોંગ્રેસ પ્રમુખે ભાવનગર જિલ્લાના કરકડી ગામમાં બનેલા તાજેતરના લઠ્ઠાકાંડનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પોલીસ FIRમાં ઝેરી કેમિકલયુક્ત લઠ્ઠાના કારણે લોકોનાં મોત થયાની વિગતો નોંધાઈ છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં અનેક લોકોનાં મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમિત ચાવડાએ FIRમાં નોંધાયેલી વિગતોના આધારે સવાલ ઉઠાવ્યો કે ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે મિથેનોલ અમદાવાદના સરખેજથી ભાવનગર સુધી પહોંચ્યું, સામગ્રીનો સંગ્રહ થયો અને દારૂનું ઉત્પાદન તથા સપ્લાય કરવામાં આવ્યો હોવા છતાં પોલીસને તેની જાણ અગાઉ કેમ ન થઈ? તેમણે સમગ્ર ગેરકાયદેસર નેટવર્કની કામગીરી અંગે ઊંડાણપૂર્વક તપાસની માગ કરી છે.
‘માત્ર પોલીસ સ્ટેશનના અધિકારીઓને જવાબદાર ઠેરવી શકાય નહીં’
કોંગ્રેસે દાવો કર્યો કે લઠ્ઠાકાંડ બાદ માત્ર સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાથી સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. અમિત ચાવડાએ સવાલ કર્યો કે આવા બનાવોમાં SP, રેન્જ IG અને DGPની જવાબદારી કેમ નક્કી કરવામાં આવતી નથી.
તેમણે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સામે પણ સવાલો ઉઠાવ્યા અને દારૂબંધીના કાયદાના અમલમાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે ગૃહમંત્રીને જનતા સમક્ષ આવીને જવાબદારી સ્વીકારવાની અને નૈતિક જવાબદારીના આધારે રાજીનામું આપવાની માગ કરી છે.
હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં SITની માગ
કોંગ્રેસે ભાવનગર લઠ્ઠાકાંડની તપાસ માટે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવાની માગ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે તપાસ માત્ર દારૂ બનાવનારાઓ કે નાના આરોપીઓ સુધી સીમિત ન રહેવી જોઈએ.
દારૂ બનાવનારાઓથી લઈને સપ્લાય કરનારાઓ, મિથેનોલ પહોંચાડનારાઓ, ગેરકાયદેસર નેટવર્ક તેમજ તેની સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલા પોલીસ અને વહીવટી તંત્રની ભૂમિકા સહિત સમગ્ર કડીની તપાસ કરવાની માગ કોંગ્રેસે કરી છે.
કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ભાવનગર જશે
ભાવનગર લઠ્ઠાકાંડની હકીકત જાણવા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ભાવનગર જશે. પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ, પ્રદેશ ઉપપ્રમુખ ડૉ. હેમાંગભાઈ વસાવડા, મહામંત્રી હરિભાઈ ભરવાડ સહિતના નેતાઓ પ્રતિનિધિમંડળમાં સામેલ રહેશે.
કોંગ્રેસના જણાવ્યા મુજબ, પ્રતિનિધિમંડળ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સમગ્ર ઘટનાની માહિતી મેળવશે અને જવાબદાર લોકો તથા તંત્રની ભૂમિકા અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે. આ મુદ્દો આગામી વિધાનસભા સત્રમાં ઉઠાવી સરકારને જવાબદાર ઠેરવવાની અને ગૃહમંત્રીના રાજીનામાની માગ કરવાની પણ કોંગ્રેસે જાહેરાત કરી છે.




