રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદના નિકોલમાંથી હવે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નિકોલના ગૂરૂકુલ સર્કલ પાસે કાર ચાલકે પરિવારને ટક્કર મારી હતી અને કાર ચાલક ઘટના સ્થળ ઉપરથી નાસી ભાગ્યો હતો. સમગ્ર ઘટનાના ભયાનક CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં રાતના સમયમાં એક પરિવાર ફરવા માટે નીકળ્યો હતો. પરિવારના સભ્યો શાંતિથી ફરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે તેમને ટક્કર મારી હતી. આ ઘટનામાં દંપતી, દીકરી અને એક અન્ય યુવક ઘાયલ થયો હતો. કારની ટક્કર થતાં જ પરિવારના સભ્યો કૂદીને આગળ પડ્યા હતા. જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કેટલાક લોકોએ કાર ચાલકનો પીછો કર્યો હતો. પહેલા તો કાર ચાલકે કારની સ્પીડ ધીમી કરી હતી પરંતુ તે ત્યાર બાદ પોતાની કાર લઈ નાસી છૂટયો હતો.

નોંધનીય છે કે આ ઘટનામાં પરિવારના લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને અમદાવાદ ટ્રાફિકના આઈ ડિવિઝન પોલીસે ગુનો નોધી કાર નંબર આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે .