Gopal Italia News: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, બિહારમાં બાંકીપુર સીટના પરિણામ સાથે ‘ભાજપ તારા વળતા પાણી’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે અને આવનારા દિવસોમાં આખું પિક્ચર દેશની જનતા સમક્ષ આવવાનું છે. ૧૯૯૫થી લઈને ૨૦૨૬ સુધી સતત દોઢ-દોઢ લાખ મતોની મોટી સરસાઈથી ભાજપ જે બિહારની બાંકીપુર સીટ જીતતું આવ્યું હતું, તે સીટ પર અત્યારે વિસાવદર જેવો માહોલ સર્જાયો છે. ક્રાંતિના મહિના ગણાતા ઓગસ્ટ મહિનામાં, વિશ્વની કહેવાતી સૌથી મોટી અને ટેન્ડર-બેઝ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ (જેઓ આ સીટ પરથી છેલ્લા ૨૦ વર્ષથી ધારાસભ્ય રહ્યા હતા અને રાજ્યસભાના સાંસદ બનતા સીટ ખાલી પડી હતી), તેમની એ ખાલી પડેલી સીટ પર આખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સંત્રીઓ અને તંત્રીઓએ પૂરી તાકાત લગાવી દીધી હતી. છતાં પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ગઢમાં બિહારની જનતાએ ભાજપને હરાવી દીધું છે, જે બદલ તેમણે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઉમેર્યું કે કેન્દ્રમાં મંત્રીઓના રાજીનામા અને બિહારની સીટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની હાર દર્શાવે છે કે સત્તાનું અભિમાન કોઈનું ટક્યું નથી અને ટકશે નહીં. તેમણે બિહારની પેટાચૂંટણી જીતવા બદલ પ્રશાંત કિશોરને પણ અભિનંદન આપ્યા હતા.
Gopal Italiaએ વધુમાં કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના આદેશ બાદ ભાજપના નેતાઓ અને મંત્રીઓ કાગળમાંથી જોઈ-જોઈને કેમેરા સામે સેલ્ફી વિડિયો બનાવી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ કોઈ વાંચ્યા વિના દિલથી, આત્મવિશ્વાસથી અને સચ્ચાઈ સાથે જનતા સમક્ષ પોતાની વાત મૂકે છે. ભાજપના નેતાઓ ગમે તેટલા વિડિયો બનાવીને પોતાની નિષ્ફળતાઓ કે પેપર લીકની ઘટનાઓ છુપાવવાની કોશિશ કરે, પરંતુ જનતા હવે બધું સમજી ગઈ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બિહારથી બહુ સારા સમાચાર આવ્યા છે અને આવી જ રીતે હવે ગુજરાતની અંદર પણ જનજાગૃતિ આવે, ખેડૂતો અને સામાન્ય જનતા જાગૃત થાય. જે રીતે બિહારની જનતાએ ૨૦ વર્ષથી જીતતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ધૂળ ચાટતા કરી દીધા છે, તેવી જ રીતે હવે ગુજરાતમાં પણ ભાજપના ભુક્કા નીકળી જવામાં વાર લાગે તેમ નથી.




