Gopal Rai News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે ડેડિયાપાડાની મુલાકાત દરમિયાન ડેડિયાપાડાના લોકપ્રિય આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે પરિવારને વિશ્વાસ અપાવ્યો હતો કે આ મુશ્કેલ સમયમાં સમગ્ર આમ આદમી પાર્ટી(AAP) પરિવાર તેમની સાથે મજબૂતાઈથી ઊભો છે. આ તકે ગોપાલ રાયે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા રાજકીય દ્વેષભાવના રાખીને ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીઓ સામે તદ્દન ખોટા કેસો કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. લોકશાહીમાં વિરોધના અવાજને દબાવવાનો આ પ્રયાસ અત્યંત નિંદનીય છે. તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા વર્ષોથી ડેડિયાપાડા વિસ્તારના આદિવાસી સમાજના હકો, જળ-જંગલ-જમીનના પ્રશ્નો તેમજ સામાન્ય લોકોના અધિકારો માટે સતત સંઘર્ષ કરતા લોકપ્રિય જનપ્રતિનિધિ છે. તેમના અવાજને દબાવવા માટે કરવામાં આવતી રાજકીય કાર્યવાહીનો આમ આદમી પાર્ટી કડક વિરોધ કરે છે.
Gopal Rai ડેડિયાપાડા વિધાનસભાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજી આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી માત્ર એક રાજકીય પક્ષ નહીં પરંતુ એક પરિવાર છે. પરિવારના કોઈપણ સભ્ય પર મુશ્કેલી આવે ત્યારે સમગ્ર પરિવાર એકજૂટ થઈને તેની સાથે ઊભો રહે છે અને ન્યાય માટેની લડત વધુ મજબૂતીથી લડે છે. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવા તથા તેમના સાથીઓને તાત્કાલિક ન્યાય મળે, તેમની સામેના ખોટા કેસો પરત ખેંચવામાં આવે અને લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ પુનરોચ્ચાર કરી છે.




