વડોદરા નજીક આવેલ કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોની ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી છે. ત્યાં તો હવે આવો જ વધુ એક બનાવ પોઇચાથી સામે આવ્યો છે. ચાંણોદ પાસે પોઇચા ખાતે આવેલી નર્મદા નદીમાં નાહવા પડેલા આઠ પ્રવાસીઓ ડૂબ્યા છે. આ પ્રવાસીઓ મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા હતા. આ લોકોને બચાવવા માટે સ્થાનિક નાવિકોએ કવાયત હાથ ધરી હતી.

સ્થાનિકોએ ડૂબી રહેલા લોકોમાંથી એક વ્યક્તિને બચાવ્યો છે. રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો આ લોકોના રેસ્ક્યૂ માટે પોઇચા પહોંચ્યા છે. હાલ નર્મદા નદીમાં લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે સુરતથી કેટલાક લોકો પોતાના વાહનમાં પોઇચા આવ્યા હતા. જ્યાં પરિવારના કેટલાક લોકો કિનારે બેઠા હતા અને 8 જેટલા લોકો નર્મદા નદીમાં નાહવા ગયા હતા. આ દરમિયાન નર્મદા નદીના વહેણમાં ત્રણ બાળકો સહિત આઠ લોકો ડૂબ્યા હતા. આ લોકોના ડૂબ્યાની જાણ થતા સ્થાનિક નાવિકોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં સ્થાનિકોએ એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. બાકીના અન્ય લોકોની હાલ પણ શોધખોળ ચાલી રહી છે.

નોંધનીય છે કે 3 કિશોરો 15થી 17 વર્ષના હોવાનું સામે આવ્યુ છે. હાલ સ્થાનિકોની સાથે રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરોની વિવિધ ટીમ ડૂબેલા લોકોને શોધી રહ્યા છે.