દેવભૂમિ Dwarka જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરી રહ્યું હોવાની વાતો વચ્ચે હાલની પરિસ્થિતિમાં અહીં મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ હોવાથી આ અંગે અહીંના આગેવાનો દ્વારા શિક્ષણ મંત્રી વિગેરેને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
Dwarka: આગેવાનો દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત
છેલ્લાં કેટલાક સમયથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવતું હોવાનું તેમજ પરિણામોની ટકાવારી પણ સુધરી રહી હોવાના અહેવાલો વચ્ચે વર્તમાન પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧૨૦૪ જેટલા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. જે પૈકી તાજેતરમાં યોજાઈ ગયેલા પ્રાથમિક શિક્ષકોની બદલીના કેમ્પમાં ૩૩૬ જેટલા શિક્ષકોને અન્ય જિલ્લાઓમાં બદલી આપવામાં આવી છે.
ત્યારે હાલની પરિસ્થિતિમાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર બગડી રહ્યું હોવાથી બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. આ મુદ્દે અહીંની વિવિધ શૈક્ષણિક સંસ્થાના ડાયરેક્ટર ડો. પી.વી. કંડોરીયા તેમજ મહિલા અગ્રણી માલતીબેન કંડોરીયાએ રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીને લેખિત પત્ર પાઠવી, અને દ્વારકા જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાકીદે ભરવામાં આવે તે માટેની રજૂઆત કરી છે.