સલમાન ખાનનાં ઘર પર થયેલ ફાયરિંગ કેસમાં હાલમાં જ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની બે ટીમોએ હરપાલસિંહ નામનાં એક શખ્સની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે હરપાલે જ મોહમ્મદ રફીર નામનાં એક બીજા આરોપીને સલમાન ખાનનાં ઘર પર ફાયરિંગ માટે 2 થી 3 લાખ રૂપિયા આપ્યા હતા. હવે આ કેસમાં નવી જાણકારી સામે આવી છે. જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમની તપાસમાં ખુલાસો થયો છે કે વર્ષ 2023માં રાયપુર જેલમાંથી બહાર આવ્યા બાદ હરપાલસિંહે સલમાન ખાનનાં ઘર પર ફાયરીંગનું ષડયંત્ર બાબતે રફીકને જણાવ્યું હતું.

ગયા વર્ષે હરપાલ ફાયરીંગ મામલે જેલમાં ગયો હતો. તે રાયપુર જેલમાં હતો. જામીન પર બહાર આવ્યા બાદ તેણે ફાયરીંગની જાણકારી રફીકને આપી હતી. તેમજ સાથે સાથે શૂટર સાગર પાલ અને વિક્કી ગુપ્તાને ઘર અપાવવા માટે તેમજ ફાયનાન્સ કરવા માટે પણ કહ્યું હતું. હરપાલે બંનેને સલમાન ખાનનાં ઘરની રેકી કરવાનું પણ કહ્યું હતું.

સલમાન ખાનનાં ઘર પર 14 એપ્રિલનાં રોજ ગોળીબાર થયો હતો. જે બાદ તાત્કાલીક પોલીસ તપાસમાં લાગી ગઈ હતી અને બે દિવસમાં ફાયરીંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી. ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે, શૂટરની ધરપકડ થઈ ગયા બાદ રફીકને શંકા હતી કે તેની પણ ટૂંક સમયમાં પોલીસ ધરપકડ કરશે. જે બાદ રફીકે હરપાલે ચેતવણી આપી હતી કે જો તે પકડાઈ ગયો તો તે હરપાલને છોડશે નહી. હરપાલે રફીકને સમજાવ્યો હતો કે જો પકડાઈ જાય તો ત્રણ-ચાર મહિનમાં જ જામીન મળી જશે. પરંતું તે આ વાતથી બિલકુલ અજાણ્યો હતો કે ક્રાઈમ બ્રાન્ચ તેના પર મકોકા લગાવી દેશે.

એવી પણ જાણકારી સામે આવી રહી છે કે હરપાલ અને રફીક ફેસબુક મારફતે એકબીજાથી જોડાયા હતા. હરપાલ પહેલાથી જ ફેસબુક પર લોરેન્સ બિશ્નોઈનાં એક પેજ સાથે જોડાયેલો હતો અને એ પેજ પર જ તે રફીક સાથે તેની મુલાકાત થઈ હતી. જે બાદ બંને સાથે કામ કરી રહ્યા હતા.