બોલિવૂડની આઈટમ ગર્લ અને ડ્રામા ક્વીન રાખી સાવંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાખી સાવંતને હૃદય સંબંધિત કોઈ બિમારીના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આમાં રાખી હોસ્પિટલના બેડ પર જોવા મળે છે. રાખી સંપૂર્ણપણે બેભાન છે અને ડોક્ટર તેની તપાસ કરી રહ્યા છે. આ સમાચારથી રાખીના ફેન્સ ટેન્શનમાં છે. તબીબોનું કહેવું છે કે રાખીની હાલત થોડી નાજુક છે. જો કે તેની સાથે શું થયું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

પાપારાઝી વિરલ ભાયાનીએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “એવું લાગે છે કે રાખીને હૃદય સંબંધિત કોઈ બિમારીને કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અમે ડૉક્ટરો પાસેથી વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવું છું અને તેમની પહેલાની ક્રેઝીનેસને ફરીથી જોવા માંગુ છું .” જ્યારે ઘણા ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં રાખીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે તો કેટલાકે કહ્યું માનવું મુશ્કેલ છે.

એક વ્યક્તિએ લખ્યું- ઓવર એક્ટિંગની આડ અસર. ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે – જલ્દી સ્વસ્થ થાઓ અને જલ્દીથી પાછા ફરો રાખી. પરંતુ હજુ સુધી આ અંગે રાખી સાવંતની ટીમ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત આવી નથી.

તમને જણાવી દઈએ કે, રાખી સાવંત લાંબા સમય સુધી દુબઈમાં રહ્યા બાદ મુંબઈ પરત ફરી છે. અભિનેત્રીનું કહેવું છે કે તે નોકરીના કારણે લાંબા સમય સુધી દુબઈમાં રહે છે. તે TikTok પર ત્યાં વીડિયો બનાવે છે. જો કે, રાખી સાવંત તેના વિવાદાસ્પદ નિવેદનોથી હલચલ મચાવવા માટે જાણીતી છે. હાલમાં જ આદિલ દુર્રાની સાથે તેના છૂટાછેડાનો મુદ્દો ચર્ચામાં હતો. તે મામલો હજુ થાળે પડ્યો ન હતો, હવે અભિનેત્રી તેના પૂર્વ પતિ રિતેશ સાથે જોવા મળી રહી છે.