હિન્દી સિનેમામાં 70-80ના દાયકામાં અનેક અભિનેત્રીઓએ તેમના દમદાર અભિનયથી ચાહકો પર અમીટ છાપ છોડી છે. આવી જ એક અભિનેત્રી છે ઝીનત અમાન, જે હજી પણ તેના બેબાક શબ્દો અને ખુલ્લા વિચારોને કારણે ચર્ચાઓમાં રહે છે. ઝીનત અવારનવાર સોશિયલ મીડિયા પર જૂના કિસ્સાઓ અને કહાનીઓ ફોટોગ્રાફ્સ દ્વારા શેર કરતી રહે છે. તાજેતરમાં જ ઝીનત અમાને લિવ-ઈન-રિલેશનશિપને લઈને યુવાનોને સલાહ આપી હતી, જેના પર લોકોની અનેક પ્રતિક્રિયાઓ આવી હતી.

14 મેના રોજ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક થ્રોબેક તસવીર શેર કરી હતી જેમાં તે સિગારેટ પીતી જોવા મળે છે. સિગારેટના આ ફોટાની સાથે જ ઝીનતે ધૂમ્રપાનથી પ્રભાવિત ન થવાનું એક ડિસ્ક્લેમર પણ આપ્યું છે. આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જો કે અભિનેત્રી હંમેશા તેની પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેણે પોતાના કો-સ્ટારના વખાણ કર્યા છે. આ ફોટામાં અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પણ ઝીનત સાથે જોવા મળી રહી છે. ડિમ્પલ ખૂબ નાની દેખાઈ રહી છે. તેમની સાથે ફિલ્મમેકર જોય મુખર્જી પણ છે. ઝીનતે ડિમ્પલના વખાણ કરતી એક લાંબી પોસ્ટ લખી છે.

ડિમ્પલ કાપડિયા માટે લખતા ઝીનત અમાને લખ્યું છે કે, મને યાદ નથી કે આ તસવીર ક્યાં લેવામાં આવી છે, પરંતુ તે ચોક્કસપણે ફિલ્મ છૈલા બાબુ સાથે કંઈક સંબંધ ધરાવે છે. કદાચ તે સેટ પરથી BTS શૉટ છે. મારી સાથે ફિલ્મના ડિરેક્ટર જોય મુખર્જી અને ડિમ્પલ કાપડિયા છે. તે કદાચ લીડ અભિનેતા (રાજેશ ખન્ના) સાથેના લગ્ન પછી સેટ પર આવતી હશે. તેણે આગળ લખ્યું છે કે, રાજ કપૂરનો આભાર, ડિમ્પલ અને મને બંનેને અમારી કારકિર્દીમાં તેમના કારણે મોટો બ્રેક મળ્યો. ડિમ્પલ ટીનેજર હતી ત્યારે તેને ફિલ્મ ‘બોબી’માં કાસ્ટ કરવામાં આવી હતી. જ્યારે હું મારી ફિલ્મ સત્યમ શિવમ સુંદરમ દ્વારા મારી વેસ્ટર્ન મહિલાની છબી બદલવામાં સક્ષમ રહી.

ઝીનતે પોસ્ટમાં ડિમ્પલ કાપડિયા અંગે લખ્યું છે કે આ ડિમ્પલની પ્રતિભા અંગે કોઈ પોસ્ટ નથી, જોકે તેનામાં ટેલેન્ટ ભારોભાર છે, તેમાં કોઈ શંકા નથી. આ પોસ્ટ તેના ચરિત્ર વિશે છે, જે મેં થોડું જોયું-જાણ્યું છે. મારા જીવનમાં એક કઠિન સમય આવ્યો અને તેમાં જે લોકો સાથે રહ્યા તે લોકોમાંથી એક હતી ડિમ્પલ કાપડિયા. તે જાહેરમાં મારી સાથે ઊભી હતી. કઠિન સમયમાં તેણે મને ચરિત્રની એક તાકાત બતાવી જેની હું આજે પણ પ્રશંસા કરું છું. મને ખ્યાલ નથી કે ડિમ્પલ ઈન્સ્ટાગ્રામ પર છે કે નહીં, પરંતુ ટ્વિંકલ ખન્ના મારો પ્રેમ તેના સુધી જરૂર પહોંચાડી દેશે. થોડા દિવસ પહેલા આ તસવીર મને મળી તો હું તેની પ્રશંસા કરતા મારી જાતને રોકી ન શકી.