ફિલ્મ અભિનેતા સલમાન ખાન પર હુમલો કરવાનાં પ્રયાસોને મુંબઈ પોલીસે નિષ્ફળ કરી દીધો છે. નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે જેઓ પનવેલમાં અભિનેતા સલમાન ખાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે પાકિસ્તાની આર્મ્સ સપ્લાયર પાસેથી હથિયારો મંગાવવાની યોજના હતી.

ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો છે. તેઓએ ફાર્મ હાઉસ અને ઘણી શૂટિંગ સ્થળોની રેકી કરી હતી. તેમજ સલમાન ખાન પર AK-47 અને અન્ય ઘણા હથિયારોથી ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓના મોબાઈલ ફોનમાંથી આવા અનેક વીડિયો જપ્ત કર્યા છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે નહવી, વાસ્પી ખાન ઉર્ફે વસીમ ચિકના અને રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે કરવામાં આવી છે. પોલીસે લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, સંપત નેહરા, ગોલ્ડી બ્રાર સહિત 17 થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

જણાવી દઈએ કે આ વર્ષે જ 14 એપ્રિલે લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા બે શૂટરોએ સલમાનના ઘરે ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જવાબદારી લીધી હતી. બાદમાં શૂટરોની પૂછપરછ દરમિયાન બંનેએ આ કામ માટે લોરેન્સ ગેંગ પાસેથી જ સોપારી મેળવી હોવાની કબૂલાત કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બિશ્નોઈ ભાઈઓને આરોપી બનાવ્યા છે અને હવે તે લોરેન્સ બિશ્નોઈની પૂછપરછની તૈયારી કરી રહી છે જે હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.