મહારાષ્ટ્રના પુણે પોર્શ કેસમાં નવો વળાંક આવ્યો છે. સગીર આરોપીના પિતા અને દાદા બાદ હવે તેની માતાની પણ ધરપકડ કરવામાં આવી છે. પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે આ માહિતી આપી હતી. ખરેખર, આ કેસમાં સગીરના લોહીના નમૂનાને તેની માતાના લોહીના નમૂના સાથે બદલવામાં આવ્યા હતા. પરીક્ષણ માટે પુત્રના બદલે તેના લોહીના નમૂના આપવા બદલ માતાની ધરપકડ કરવામાં આવી છે. બ્લડ સેમ્પલમાં ફેરફાર કરવા બદલ બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે સગીર આરોપીના બ્લડ સેમ્પલને મહિલાના બ્લડ સેમ્પલથી બદલવામાં આવ્યા હતા.

શું હતો સમગ્ર મામલો

પુણે શહેરમાં, 18-19 મેની વચ્ચેની રાત્રે, એક 17 વર્ષનો છોકરો, 3 કરોડ રૂપિયાની પોર્શ કાર ઝડપી ગતિએ ચલાવતો હતો, ત્યારે તેણે બાઇકને ટક્કર મારી. વાહન સાથેની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકે તેનું સંતુલન ગુમાવી દીધુ અને રોડ પર ઘણા દૂર સુધી ઘસડાઈ ગયું, જેના કારણે તેના પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી, ત્યારબાદ આરોપી સગીરની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટનાના 14 કલાક બાદ આરોપી સગીરને કેટલીક શરતો સાથે કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. કોર્ટે તેમને ટ્રાફિક પોલીસ સાથે 15 દિવસ કામ કરવા અને માર્ગ અકસ્માતોની અસરો અને ઉકેલો પર 300 શબ્દોનો નિબંધ લખવાનો નિર્દેશ આપ્યો હતો. બાદમાં વિવાદ વધતાં કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. આ પછી તેને 5 જૂન સુધી ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ કેસમાં સગીરના પિતા અને દાદાની પણ ધરપકડ કરવામાં આવી છે.

સસૂન હોસ્પિટલમાં સગીરના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ડોકટરોએ સસૂન હોસ્પિટલમાં સગીરના લોહીના નમૂનાને તેની માતાના લોહીના નમૂના સાથે બદલ્યા હતા. તેમજ કારમાં મુસાફરી કરી રહેલા અન્ય બે લોકોના લોહીના નમૂના પણ તેના ભાઈ અને પિતાના લોહીના નમૂના સાથે બદલવામાં આવ્યા હતા. મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ત્રણ સભ્યોની ટીમે આ મામલે તપાસ રિપોર્ટ તૈયાર કર્યો છે, જે સરકારને સોંપવામાં આવ્યો છે. 19 મેના રોજ, સગીરે કથિત રીતે પોર્શ કાર સાથે બાઇકને વધુ સ્પીડમાં ટક્કર મારી હતી. આ અથડામણમાં બાઇક સવાર યુવક અને યુવતીનું મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે સગીર દારૂના નશામાં હતો. અકસ્માત સમયે કારમાં ચાર લોકો સવાર હતા, જેમાં કારનો સગીર ડ્રાઈવર અને તેના બે મિત્રોનો સમાવેશ થાય છે. આરોપ છે કે અકસ્માત સમયે એક સગીર કાર ચલાવી રહ્યો હતો.