કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની નવી ફિલ્મનું શૂટિંગ આવતા જુલાઈ મહિનાથી શરૂ થશે. ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ બસુ કરવાના છે. મૂળ આ ટીમ ‘આશિકી થ્રી’ માટે એકત્ર થઈ હતી. પરંતુ નિર્માણ બાબતે તકરાર અને મ્યુઝિક અંગે વાંધા પડતાં ‘આશિકી થ્રી’નો પ્રોજેક્ટ પડતો મૂકાયો છે. તેને બદલે નવી જ વાર્તા પરથી આ રોમાન્ટિક ફિલ્મ બનાવાઈ રહી છે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે કહ્યું હતું કે, આ ફિલ્મને ‘આશિકી’ ફ્રેન્ચાઈઝી સાથે કોઈ લેવાદેવા નથી. આ તદ્દન નવી સ્ટોરી છે.

અગાઉ કાર્તિક આર્યને પોતે ‘આશિકી થ્રી’માં કામ કરી રહ્યો હોવાની જાહેરાત કરી હતી. તે પછી તેની સાથે હિરોઈન તરીકે તૃપ્તિ ડિમરી સિલેક્ટ થઈ હોવાની પણ વાતો ચાલી હતી. આ સમાચારોથી મૂળ ‘આશિકી’ના નિર્માતા મુકેશ ભટ્ટ ભારે નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘આશિકી થ્રી’ માટે હિરો તરીકે કાર્તિક આર્યનનુ નામ નક્કી થયું છે પરંતુ હિરોઈન સહિતની બાબતો ફાઈનલ થઈ નથી તેમણે એક જાહેર નોટિસ પણ આપી હતી અને ‘આશિકી’ફ્રેન્ચાઈઝી કોઈએ આગળ વધારવી નહીં તેવી ચેતવણી પણ પાઠવી હતી. તે પછી આ પ્રોજેક્ટ જ કોરાણે મૂકાઈ ગયો હતો.

દરમિયાન, કાર્તિક અને તૃપ્તિ આ બીજી ફિલ્મમાં સાથે કામ કરશે. તેઓ ‘ભૂલભૂલૈયા થ્રી’માં પણ સ્ક્રીન શેર કરવાનાં છે.