સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાનના ઘરની સામે ફાયરિંગ કેસ બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે એક્ટર પર ફરીથી હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આ લોકો પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

ગત શનિવારે નવી મુંબઈ પોલીસે આ કેસમાં લોરેન્સ બિશ્નોઈની ગેંગના ચાર લોકોની ધરપકડ કરી લીધી હતી. ચાર આરોપીઓની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે ન્હાઈ, વાસ્પી ખાન ઉર્ફે વસીમ ચિકના અને જીશાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે કરવામાં આવી છે.

તેમની સામે આઈપીસીની કલમ 115, 120 (બી), 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત કુલ 18 લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

ગત શનિવારે બપોરે પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવી માહિતી આપી હતી. પનવેલ ઝોન 2 ડીસીપી વિવેક પાનસરેએ કહ્યું, ‘અમને સલમાન ખાનની હત્યાના પ્લાનિંગ અંગે કેટલીક માહિતી મળી હતી. ઘણી બધી માહિતી ભેગી કર્યા પછી અમે લોરેન્સ બિશ્નોઈ સાથે સંકળાયેલા સોશિયલ મીડિયા ગ્રુપમાં જોડાયા અને ગ્રુપમાં જોડાયા પછી અમે ત્યાંથી માહિતી ભેગું કરવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ 24 એપ્રિલે અમે 4 લોકોની ધરપકડ કરી હતી. બેંગલુરુમાંથી ચિકના શૂટરની ધરપકડ હતી. આ કેસમાં હજુ 10-12 આરોપીઓની શોધ ચાલી રહી છે.

આ મામલે પોલીસે એ પણ માહિતી આપી હતી કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ તુર્કી બનાવટની જિગાના પિસ્તોલ વડે સલમાનને મારવાની યોજના બનાવી રહી હતી. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની પણ આ જ પિસ્તોલથી હત્યા કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ચારેય આરોપીઓ હુમલાને અંજામ આપવા માટે પાકિસ્તાનથી સપ્લાયર મારફતે હથિયાર મેળવવાની યોજના બનાવી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરો AK-47, M-16 અને AK-92 મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે ફાર્મ હાઉસ અને ઘણા શૂટિંગ સ્થળોની રેકી કરી હતી. પોલીસે તેમના મોબાઈલમાંથી આવા ઘણા વીડિયો પણ કબજે કર્યા છે.