Ahmedabad News: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં થયેલી હાઇટેક ચોરીના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ફરિયાદીના ઘરમાંથી અંદાજે ₹50 લાખના સોનાના દાગીના ચોરી કરનાર કોઈ બહારનો ચોર નહીં પરંતુ પરિવારની જ એક મહિલા હોવાનું બહાર આવ્યું છે. ઇસનપુર પોલીસે ઝડપી તપાસ કરીને આરોપી ફરહાનાઝ પઠાણની ધરપકડ કરી છે અને ચોરાયેલા તમામ દાગીના પણ કબજે કર્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શાહઆલમના રોયલ નવાબ ફ્લેટમાં રહેતા ફટાકડાના વેપારી નદીમિયાન બાગબાને 27 જુલાઈ, 2026ના રોજ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, 26 જુલાઈની સાંજે પરિવાર સ્માર્ટ લોક લગાવીને બહાર જમવા ગયો હતો. રાત્રે પરત ફરતાં સ્માર્ટ લોક ખુલ્લું હતું અને લોકરમાં રાખેલા સોનાના દાગીના ગાયબ હતા. દરવાજા કે સ્માર્ટ લોક સાથે કોઈ છેડછાડના નિશાન ન મળતાં પોલીસે નજીકના વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી હતી.
ટેક્નિકલ તપાસ, FSL, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે આખો ભેદ ઉકેલી કાઢ્યો. તપાસમાં સામે આવ્યું કે ફરિયાદીની પત્નીની બહેન ફરહાનાઝ પઠાણ, જે નીચેના ફ્લેટમાં રહેતી હતી, તેણે જ ચોરી કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીની માતાએ મુથૂટ ફાઇનાન્સ પાસેથી ₹14 લાખની લોન લીધી હતી, જેની ચૂકવણી કરવાની હોવાથી આર્થિક તંગીને કારણે તેણે ચોરીનું કાવતરું ઘડ્યું હતું. ફરહાનાઝે પોતાની ભત્રીજીઓ પાસેથી સ્માર્ટ લોકનો પાસવર્ડ જાણી લીધો હતો અને દાગીના ક્યાં રાખવામાં આવ્યા છે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી. પરિવાર બહાર જતાં જ તેણે પાસવર્ડથી દરવાજો ખોલી દાગીના અને રોકડ રકમ ચોરી લીધી.
ચોરી બાદ આરોપી લાલ દરવાજા વિસ્તારમાં તેના મિત્ર સાદિક અલી સૈયદને મળી હતી અને દાગીના ભરેલું પર્સ તેને સુરક્ષિત રાખવા માટે આપ્યું હતું. બાદમાં પોલીસે આરોપીની માહિતીના આધારે તેના મિત્ર પાસેથી સ્કૂટરના ડિક્કીમાંથી ચોરાયેલા દાગીના જપ્ત કર્યા. હાલ પોલીસે બંને પાસાઓની વધુ તપાસ શરૂ કરી છે.




