Ahmedabad MD Drugs News: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કુરિયર પાર્સલની આડમાં ચાલી રહેલા MD ડ્રગ્સના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ બાદ બાપુનગરની કુરિયર ઓફિસમાંથી 35 લાખ રૂપિયાથી વધુ કિંમતના 350 ગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) ભરેલા બે પાર્સલ જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર કેસમાં ત્રણ આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વસ્ત્રાલના વેદ આર્કેડ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. અહીંથી રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના રહેવાસી અસુરામ ઉર્ફે અશોકકુમાર ભાદુ બિશ્નોઈને 20 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે બેંગ્લોર મોકલેલા બે શંકાસ્પદ પાર્સલ વિશે માહિતી આપી હતી.
આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે બાપુનગર સ્થિત શ્યામ શિખર કોમ્પ્લેક્સમાં આવેલી કુરિયર ઓફિસમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બે પાર્સલમાંથી 350 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જપ્ત કરાયેલ ડ્રગ્સ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના અલ્પારા ગામના હેમરાજ બિશ્નોઈ દ્વારા મોકલવામાં આવ્યું હતું. જ્યારે બેંગ્લોરમાં આ પાર્સલ સ્વીકારનારા બે લોકોની પણ ઓળખ થઈ છે. પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનાર અને મંગાવનાર સહિત ત્રણ આરોપીઓને ફરાર જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.
આ દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાલમાં અલગ કાર્યવાહી દરમિયાન 150 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં તેજસકુમાર ઉર્ફે મોન્ટુ ઠક્કર અને અજય ઉર્ફે અજ્જુ જયસ્વાલનો સમાવેશ થાય છે. તેમની પાસેથી જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 4.5 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે.
તપાસમાં ખુલાસો થયો છે કે આ ડ્રગ્સ તેમને પવન શર્મા મારફતે મળતું હતું, જ્યારે સપ્લાયની કડી રાજસ્થાનના બાલોત્રા સુધી પહોંચી છે. પોલીસે પવન શર્મા અને કરણ ઉર્ફે કરણરામને પણ ફરાર જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.




