Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ઔડા ગાર્ડનમાં ગુરુવારે મલાલા યુસુફઝાઈનું પુસ્તક વાંચવા માટે એકઠા થયેલા નાગરિક સમાજના સભ્યો અને સ્થાનિક નેતાઓ સાથે બજરંગ દળના કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન પુસ્તક વાંચી રહેલા લોકો પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા આહ્વાન બાદ કેટલાક લોકો ઔડા ગાર્ડનમાં શાંતિપૂર્ણ વાંચન સત્ર માટે એકઠા થયા હતા. આ કાર્યક્રમનો હેતુ અમદાવાદની એક ખાનગી શાળાએ મલાલા યુસુફઝાઈનું પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કર્યા બાદ ઊભા થયેલા વિવાદ વચ્ચે પુસ્તકને ફરીથી અભ્યાસક્રમમાં સામેલ કરવાની માંગ કરવાનો હતો.

આ પુસ્તકને લઈને બજરંગ દળે અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો. સંગઠન દ્વારા મલાલા યુસુફઝાઈના કાશ્મીર મુદ્દે કરવામાં આવેલા કથિત નિવેદનોને ભારત વિરોધી ગણાવવામાં આવ્યા હતા. વિરોધ બાદ શાળા વહીવટીતંત્રે પુસ્તકને અભ્યાસક્રમમાંથી પાછું ખેંચવાનો નિર્ણય લીધો હતો.

વસ્ત્રાપુર ગાર્ડનમાં યોજાયેલા વાંચન સત્રમાં કોંગ્રેસ નેતા પાર્થિવસિંહ કાઠવાડિયા સહિત કેટલાક સ્થાનિક લોકો અને નાગરિક સમાજના સભ્યો હાજર રહ્યા હતા. વિરોધીઓનું કહેવું હતું કે દરેક નાગરિકને પોતાની પસંદગીના પુસ્તકો વાંચવાની લોકશાહી સ્વતંત્રતા છે. તેમણે જણાવ્યું કે કાર્યક્રમમાં માત્ર મલાલાનું પુસ્તક જ નહીં, પરંતુ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ સહિત અન્ય વિચારકોના પુસ્તકો પણ વાંચવામાં આવી રહ્યા હતા.

બીજી તરફ, કાર્યક્રમની જાણ થતાં બજરંગ દળના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને મલાલાના પુસ્તકના પ્રચાર સામે વિરોધ નોંધાવ્યો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો અને પુસ્તક વાંચી રહેલા લોકો સાથે મારામારી થઈ હોવાનો આરોપ છે.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઔડા ગાર્ડન ખાતે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે ઘટનામાં સામેલ કેટલાક લોકોને અટકાયતમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.