Ahmedabad News: અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં સોમવારે ત્રણ દુકાનો તોડી પાડવામાં આવતા ચકચાર મચી છે. કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી આવ્યા હોવાનું કહીને દુકાનો પર તોડફોડ કરી હોવાનો આરોપ છે. જોકે, AMCએ સ્પષ્ટતા કરી છે કે દુકાનો તોડવા માટે કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કે આદેશ આપવામાં આવ્યો ન હતો. ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.

AMCના નામનો દુરુપયોગ થયાનો આરોપ

AMCની એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે કોર્પોરેશનના કોઈ વિભાગ કે અધિકારીની આ કાર્યવાહી સાથે કોઈ ભૂમિકા નથી. AMCના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈને તપાસ કરી હતી. તેમણે કહ્યું કે, દુકાનો તોડી પાડવા માટે AMC દ્વારા કોઈ સૂચના આપવામાં આવી નહોતી.

ભાગ્યેશ પટેલે જણાવ્યું કે, “જેણે પણ આ કર્યું છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” AMC દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

દુકાનના માલિકે શું કહ્યું?

દુકાનના માલિક નંદીશ મોદીના જણાવ્યા અનુસાર, તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. તેમણે જેસીબી ડ્રાઇવર અને અન્ય લોકોને પૂછપરછ કરતાં તેઓએ પોતે AMCના હોવાનું જણાવ્યું હતું.

નંદીશ મોદીએ જણાવ્યું કે તેમણે જેસીબી ડ્રાઇવર અને અન્ય લોકોને AMCનો સંપર્ક કરવા કહ્યું હતું. તેમનું કહેવું છે કે, AMC દ્વારા જે ભાગ તોડવાનો હતો તે અંગેની કાર્યવાહી સમજાય છે, પરંતુ સમગ્ર માળખું કેમ તોડી પાડવામાં આવી રહ્યું છે તે અંગે તેમણે સવાલ કર્યો હતો. તેમ છતાં, સામેના લોકોએ પોતે કોર્પોરેશનના હોવાનું જણાવ્યું હતું.

AMC અધિકારીઓ પહોંચતા આરોપીઓ ફરાર

નંદીશ મોદીના જણાવ્યા પ્રમાણે, તેમણે AMCના અધિકારીઓને જાણ કરતાં જ તોડફોડ કરનાર લોકો જેસીબી સ્થળ પર છોડીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ AMCના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખાનમાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં AMC દ્વારા દુકાનો તોડી પાડવામાં આવી હોવાનું સામે આવ્યું નથી. AMCના એસ્ટેટ વિભાગે પણ આવી કોઈ કાર્યવાહી માટે સૂચના આપી ન હતી અને કોઈ એજન્સીને તોડકામનું કામ સોંપવામાં આવ્યું ન હતું.

પાછળના પ્લોટ સુધી રસ્તો ખોલવા તોડફોડ?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે દુકાનો પાછળ આવેલા પ્લોટ સુધી રસ્તો ખોલવાના ઈરાદાથી આ તોડફોડ કરવામાં આવી હોઈ શકે છે. જોકે, સમગ્ર હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી થશે

AMCએ જણાવ્યું છે કે કોર્પોરેશન દુકાનો તોડી રહ્યું હોવાના ખોટા દાવા અથવા ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. AMCના નામ અને અધિકારીઓનો દુરુપયોગ થયો હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરવામાં આવી છે.

નરોડા પોલીસ તપાસમાં લાગી

નરોડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એ. કોટડિયાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પોલીસ તોડફોડ કરનાર વ્યક્તિઓની ઓળખ અને ઘટનાની પાછળનું કારણ શોધી રહી છે.

અમદાવાદના મેયર હિતેશ બારોટે પણ જણાવ્યું હતું કે સોમવારે સાંજે ઘટનાની જાણ થતાં જ AMCના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને પુષ્ટિ કરી હતી કે દુકાનો AMC દ્વારા તોડી પાડવામાં આવી નથી. કોર્પોરેશનના નામનો દુરુપયોગ થયાનું સામે આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.