બાપુનગર સ્થિત ESIC મોડેલ જનરલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવવાના નામે લાંચ લેવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ ગ્રામીણ ACBએ છટકું ગોઠવીને ₹95,000ની લાંચ સ્વીકારતા ખાનગી સુરક્ષા એજન્સીના ઓપરેશન્સ મેનેજર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.

ACBને માહિતી મળી હતી કે સિક્યોરશીલ્ડ સિક્યુરિટી સર્વિસ નામની ખાનગી સુરક્ષા એજન્સીનો ESIC મોડેલ હોસ્પિટલ સાથે કરાર છે. આ એજન્સી વિવિધ કેટેગરીમાં નોકરી અપાવવાના બદલામાં ઉમેદવારો પાસેથી ₹30 હજારથી ₹1.50 લાખ સુધીની લાંચ માંગતી હોવાની ફરિયાદ મળી હતી.

ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામીણ ACB ટીમે ગુરુવારે વટવા GIDC વિસ્તારમાં આવેલી એજન્સીની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ઓપરેશન્સ મેનેજર પ્રમોદ શંકર પાંડે ₹95,000ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.

ત્યારબાદ તપાસ દરમિયાન અન્ય ઓપરેશન્સ મેનેજર પંકજ કુમાર મિશ્રા તેમજ રાજીવ શુક્લા અને જયેશ કુમાર ચૌધરીની પણ લાંચના વ્યવહારમાં મદદ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

ઓફિસ અને હોટલમાંથી લાખો રૂપિયા રોકડા જપ્ત

ACBની કાર્યવાહી દરમિયાન સુરક્ષા એજન્સીની ઓફિસના ટેબલ પરથી ₹2.29 લાખ રોકડા મળી આવ્યા હતા. ત્યારબાદ આરોપી નં. 1 અને 2 જ્યાં રોકાયા હતા તે હોટલના રૂમમાં તપાસ કરવામાં આવી હતી, જ્યાં તેમની બેગમાંથી ₹19.29 લાખ રોકડા મળી આવ્યા હતા.

ACBના જણાવ્યા મુજબ, ₹95,000ની લાંચની રકમ ઉપરાંત ઓફિસ અને હોટલમાંથી મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે. આ રકમ પણ લાંચના વ્યવહારો સાથે સંકળાયેલી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

46 લોકો પાસેથી નોકરીના નામે પૈસા લીધાની આશંકા

પ્રાથમિક તપાસમાં આ લાંચનો વ્યવહાર 46 જેટલા નોકરી ઇચ્છુક ઉમેદવારો સાથે જોડાયેલો હોવાની આશંકા છે. ACBને નોકરી અપાવવાના નામે પૈસા લેવામાં આવતા હોવાની ફરિયાદ ટોલ-ફ્રી નંબર 1064 પર મળી હતી. આ ફરિયાદના આધારે સમગ્ર છટકું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ACB દ્વારા હવે આરોપીઓ પાસેથી મળેલી રોકડ રકમ અને નોકરીના નામે થયેલા અન્ય વ્યવહારો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.