satya: ભારત અને અમેરિકા વચ્ચેના તકનીકી સહયોગને નવી દિશા આપવાના પ્રયાસો વચ્ચે, માઈક્રોસોફ્ટના ચેરમેન અને CEO સત્ય નડેલાએ સિએટલના ટેક સમુદાય અને ભારત વચ્ચે મજબૂત થતા સંબંધોની પ્રશંસા કરી છે. સિએટલમાં યોજાયેલા ‘Ideas4India’ ફોરમમાં બોલતા તેમણે નોંધ્યું હતું કે શહેરનું ટેક ઇકોસિસ્ટમ છેલ્લા 35 વર્ષોમાં ઝડપથી વિકસ્યું છે અને હવે ભારત સાથે મજબૂત જોડાણો સ્થાપિત કરી રહ્યું છે.

ભારતીય મૂળના 40થી વધુ ટેક લીડર્સ એકત્ર થયા
સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે 17 સપ્ટેમ્બરે આ વિશેષ ફોરમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રેટર સિએટલ અને પેસિફિક નોર્થવેસ્ટ પ્રદેશોમાંથી ભારતીય મૂળના 40થી વધુ CEO અને CTO એકત્ર થયા હતા. સહભાગીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ક્લાઉડ ટેક્નોલોજી, એરોસ્પેસ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર જેવા ક્ષેત્રોના ટેક લીડર્સનો સમાવેશ થતો હતો.

સત્ય નડેલાએ AI વિશે શું કહ્યું?
નડેલાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ‘જનરલ-પર્પઝ ટેક્નોલોજી’ (વ્યાપક ઉપયોગ ધરાવતી તકનીક) તરીકે વર્ણવી હતી, જેના લાભો ત્યારે જ વ્યાપકપણે મળી શકશે જો તેનો ઉપયોગ વિવિધ દેશો, સમુદાયો અને ઉદ્યોગોમાં વિસ્તૃત થાય. ફોરમમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ, સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઉત્પાદન, ક્વોન્ટમ સંશોધન, કૌશલ્ય વિકાસ અને અદ્યતન ઉત્પાદન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ આ કાર્યક્રમમાં ભારતીય મૂળના ટેક લીડર્સની સહભાગિતાને આવકારી હતી. તેમણે ભારત-અમેરિકા ટેક ભાગીદારીને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારતીય પક્ષે પુનરોચ્ચાર કર્યો હતો કે ભારતનું AI મિશન સર્વસમાવેશકતા, ખુલ્લાપણું, સાર્વભૌમત્વ, વ્યાપક પહોંચ, સુરક્ષા અને વિશ્વાસ જેવા સિદ્ધાંતો પર આધારિત હશે.

માઈક્રોસોફ્ટ અને એમેઝોન દ્વારા મોટા રોકાણો
આ ફોરમ એવા સમયે યોજાયું હતું જ્યારે અમેરિકન ટેક કંપનીઓએ ભારતમાં નોંધપાત્ર રોકાણની જાહેરાત કરી છે. માઈક્રોસોફ્ટે 2026 અને 2029 વચ્ચે ભારતમાં 17.5 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે. આમાં ક્લાઉડ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય વિકાસ અને કામગીરીના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. માઈક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર, એશિયામાં તેનું અત્યાર સુધીનું આ સૌથી મોટું રોકાણ છે. એમેઝોને વર્ષ ૨૦૨૬ અને ૨૦૩૦ની વચ્ચે ભારતમાં કુલ ૪૮ અબજ ડોલરના રોકાણની પણ જાહેરાત કરી છે. તેમાં AI અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર તેમજ મુંબઈ અને હૈદરાબાદમાં ડેટા સેન્ટરની ક્ષમતામાં વધારો કરવાનો સમાવેશ થાય છે.