nepal: નેપાળમાં અચાનક પૂરને કારણે ૧૦૫ ભારતીય પ્રવાસીઓ ગુમ થયા છે. તેમાં ૩૧ શ્રદ્ધાળુઓ માનસરોવર જઈ રહ્યા હતા. નેપાળ પ્રવાસન બોર્ડે આ માહિતી આપી છે. બોર્ડે જણાવ્યું હતું કે તેઓ આ ગુમ થયેલા ભારતીયો વિશે વિગતો એકત્રિત કરી રહ્યા છે. નેપાળ પ્રવાસન બોર્ડના જણાવ્યા અનુસાર, પૂરને કારણે આશરે ૪૦૦ પ્રવાસીઓ ગુમ થયા છે; જેમાંથી ૨૯૧ વિદેશી નાગરિકો છે, જ્યારે ૯૦ થી વધુ નેપાળના રહેવાસીઓ છે.
નેપાળ સમાચાર અનુસાર, ૩૭ પ્રવાસીઓ બિન-નિવાસી ભારતીયો (NRI) છે. બાકીના પ્રવાસીઓમાં ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ, મલેશિયા, યુનાઇટેડ કિંગડમ અને દક્ષિણ આફ્રિકાના નાગરિકોનો સમાવેશ થાય છે.
નેપાળ ટુરિઝમ બોર્ડના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા ભારતીયોમાંથી 59 ‘સ્માર્ટ ટ્રાવેલ્સ’ સાથે મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે 46 ‘લીફ હોલિડેઝ’ સાથે પ્રવાસ કરી રહ્યા હતા. નેપાળ સરકારે પ્રવાસીઓ માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે: 1144.
કસ્ટમ ઓફિસના 14 કર્મચારીઓ ગુમ
નેપાળી મીડિયા અનુસાર, રાસુવાના તિમુરે સ્થિત કસ્ટમ ઓફિસના 14 કર્મચારીઓ હાલમાં સંપર્કથી બહાર છે. આમાં 11 કાયમી અને 3 કરાર આધારિત કર્મચારીઓનો સમાવેશ થાય છે. દરમિયાન, કસ્ટમ ઓફિસના વડા રાજેન્દ્ર ધુંગાના સહિત 25 કર્મચારીઓના ઠેકાણાની પુષ્ટિ કરવામાં આવી છે.
એ જ રીતે, 20 મેગાવોટના લેંગટાંગ ખોલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા 60 લોકો ગુમ છે. અત્યાર સુધીમાં, પૂરને કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, અને 7 મૃતદેહ મળી આવ્યા છે. નેપાળ સરકારે બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર અને ડ્રોન તૈનાત કર્યા છે.
ભારતીય હાઇ કમિશને હેલ્પલાઇન જારી કરી છે
નેપાળમાં ભારતીય હાઇ કમિશને પૂરમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. હાઈ કમિશન તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં જણાવાયું છે કે નેપાળમાં આજે આવેલા પૂરથી પ્રભાવિત ભારતીય નાગરિકો અંગે સહાય અને માહિતી માટે, આ ઇમરજન્સી નંબરો (+977 985 131 6807, +977 970 910 7500) પર સંપર્ક કરી શકાય છે.




