Gujarat News: કેન્દ્ર સરકારના IndiaAI Mission હેઠળ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે મોટું પ્રોત્સાહન મળ્યું છે. રાજ્યમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અને 17 પોલિટેકનિક સહિત કુલ 37 શૈક્ષણિક સંસ્થાઓમાં ડેટા અને AI લેબ્સ સ્થાપવા માટે પસંદગી કરવામાં આવી છે. આ લેબ્સ IndiaAI FutureSkills પહેલ હેઠળ કાર્યરત રહેશે અને વિદ્યાર્થીઓને AI, ડેટા એનોટેશન, ડેટા ક્યુરેશન અને એપ્લાઇડ ડેટા સાયન્સ જેવા આધુનિક ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે.
આ માહિતી કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી જિતિન પ્રસાદે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
મંત્રીએ જણાવ્યું કે IndiaAI Startup Financing હેઠળ ગુજરાતમાં પ્રાદેશિક AI ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે બે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (AI-CoEs) ફાળવવામાં આવ્યા છે. આ કેન્દ્રો રાજ્યના સ્ટાર્ટઅપ્સ, MSME અને શૈક્ષણિક સંસ્થાઓને AI આધારિત સંશોધન અને નવીનતા માટે સહયોગ આપશે.
રાજ્યને IndiaAI Fellowship યોજના હેઠળ કુલ 23 ફેલોશિપ પણ મળી છે. તેમાં 4 અંડરગ્રેજ્યુએટ, 12 પોસ્ટગ્રેજ્યુએટ અને 7 પીએચડી સંશોધન ફેલોશિપનો સમાવેશ થાય છે. આ ફેલોશિપનો હેતુ AI ક્ષેત્રમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને સંશોધકોને પ્રોત્સાહન આપીને દેશની AI ટેલેન્ટ પાઇપલાઇન મજબૂત બનાવવાનો છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે IndiaAI Compute પહેલ હેઠળ સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, MSME, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી વિભાગોને સરેરાશ રૂ. 65 પ્રતિ GPU-કલાકના સબસિડાઈઝ્ડ દરે હાઈ-પરફોર્મન્સ GPU કમ્પ્યુટિંગ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (AMUL) જેવી સંસ્થાઓને પણ આ સુવિધાનો લાભ ફાળવવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે 7 માર્ચ, 2024ના રોજ રૂ. 10,371.92 કરોડના બજેટ સાથે પાંચ વર્ષ માટે IndiaAI Missionને મંજૂરી આપી હતી. આ મિશન IndiaAI Compute, Foundation Models, AIKosh, Application Development Initiative, FutureSkills, Startup Financing અને Safe & Trusted AI સહિતના સાત મુખ્ય સ્તંભો પર આધારિત છે. આ ઉપરાંત AI આધારિત નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે અત્યાર સુધીમાં 11 રાષ્ટ્રીય સ્તરની હેકાથોન અને ઇનોવેશન ચેલેન્જ પણ શરૂ કરવામાં આવી છે.




