Chaitar Vasava AAP: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને એક મહત્વપૂર્ણ પત્ર લખી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ધામ ખાતે યોજાનાર પરંપરાગત જાત્રા અને મેળા દરમિયાન જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે દેવમોગરા ખાતે અનાસકાળથી ચૈત્ર અમાસના દિવસે કુળદેવી યાહા મોગી માતાજીની જાત્રા ભરાય છે. આ યાત્રામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આદિવાસી સમાજના લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચે છે. આ જાત્રા આદિવાસી સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલી છે.

ધારાસભ્ય ચૈતર વસાવાએ નાયબ મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે કે જાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ પોલીસ ચેકપોસ્ટના નામે યાત્રાળુઓને અનાવશ્યક હેરાન કરે છે, જે અટકાવવાની તાત્કાલિક જરૂર છે. સાથે જ, વિવિધ વિસ્તારોમાંથી આવનારા યાત્રાળુઓ માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ બસ સેવા ફાળવવામાં આવે અને તેનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. જાત્રા અને મેળા દરમિયાન પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, રાત્રિ રોકાણ, લાઇટની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, શૌચાલય, સફાઈ વ્યવસ્થા, ફાયર સેફ્ટી, GEB કર્મચારીઓની તૈનાતી તેમજ સમગ્ર મેળા વિસ્તારમાં CCTV કેમેરા લગાવી મોનિટરિંગ કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પણ માંગ કરીએ છીએ.

ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહમંત્રીને અપીલ કરી છે કે સંબંધિત તમામ વિભાગો અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપીને લાખો શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે યોગ્ય અને સમયસર વ્યવસ્થાઓ કરવામાં આવે. આદિવાસી સમાજની આસ્થા સાથે જોડાયેલા આ ઐતિહાસિક આયોજનમાં સરકારની સંવેદનશીલ અને જવાબદાર ભૂમિકા અત્યંત જરૂરી છે.