Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સોનાની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અબુ ધાબીથી આવેલી ફ્લાઇટમાંથી 770.33 ગ્રામ 24 કેરેટ સોનું, જેની અંદાજિત કિંમત ₹1.13 કરોડથી વધુ છે, જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં એક ટૂર ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર દાણચોરી નેટવર્કની તપાસ તેજ કરવામાં આવી છે.

ગુપ્ત માહિતીના આધારે ગોઠવાયું ઓપરેશન

કસ્ટમ વિભાગને અગાઉથી બાતમી મળી હતી કે અબુ ધાબીથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં સોનાની દાણચોરી થવાની છે. જેના આધારે અધિકારીઓએ મુસાફરો પર ખાસ નજર રાખી અને શંકાસ્પદ મુસાફરોની તપાસ હાથ ધરી.

મુસાફરોના ખિસ્સામાંથી મળ્યું 24 કેરેટ સોનું

તપાસ દરમિયાન મુસાફરોના ખિસ્સામાંથી 24 કેરેટ સોનાની ચેન, પેન્ડન્ટ અને માળા મળી આવી. સોનું એવી રીતે છુપાવવામાં આવ્યું હતું કે સામાન્ય તપાસમાં ઝડપાય નહીં, પરંતુ કસ્ટમ અધિકારીઓની સતર્કતાના કારણે આખું કાવતરું નિષ્ફળ ગયું. કુલ 770.33 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું, જેની કિંમત અંદાજે ₹1,13,85,477 છે.

ટૂર ઓપરેટરે ગ્રાહકોને બનાવ્યા ‘કેરિયર’

પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે ધરપકડ કરાયેલા ટૂર ઓપરેટરે પોતાના ગ્રાહકોનો ‘કેરિયર’ તરીકે ઉપયોગ કર્યો હતો. તેણે પોતે સોનું લઈ જવાને બદલે અલગ-અલગ મુસાફરોના ખિસ્સામાં સોનું છુપાવી ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી શંકા ઓછી થાય.

મહેસાણાના રહેવાસીઓનો ખુલાસો

તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલા તમામ લોકો ગુજરાતના મહેસાણા જિલ્લાના રહેવાસી છે. અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે આ જૂથનો આ પહેલો પ્રયાસ હતો કે અગાઉ પણ આવી જ રીતે દાણચોરી કરવામાં આવી હતી.

કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી

કસ્ટમ વિભાગે કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કેસ નોંધી મુખ્ય સૂત્રધાર ગણાતા ટૂર ઓપરેટરની ધરપકડ કરી છે. તેના મોબાઇલ ફોન, નાણાકીય વ્યવહારો, મુસાફરી રેકોર્ડ અને સંપર્કોની તપાસ કરીને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

દાણચોરીની નવી પદ્ધતિથી ચોંકી ઉઠ્યાં અધિકારીઓ

એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનતા દાણચોરો સતત નવી રીતો અપનાવી રહ્યા છે. આ કેસમાં મુસાફરોને અલગ-અલગ પ્રમાણમાં સોનું આપીને દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કસ્ટમ અધિકારીઓનું માનવું છે કે હવે મુખ્ય પડકાર માત્ર સોનું જપ્ત કરવાનો નહીં, પરંતુ આ સમગ્ર આંતરરાષ્ટ્રીય દાણચોરી નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે.