કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન) મિશનમાં સેવા આપનાર ભારતીય મહિલા પીસકીપર મેજર રાધિકા સેનને લશ્કરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ તેમને આ એવોર્ડથી સન્માનિત કરશે. આ એવોર્ડ અંગે રાધિકા સેને કહ્યું કે બહુપક્ષીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે સન્માનની વાત છે. મેજર રાધિકા સેનને 30 મેના રોજ ઇન્ટરનેશનલ યુનાઇટેડ નેશન્સ પીસકીપર્સ ડેના અવસર પર ‘2023 યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ’ આપવામાં આવશે.

રાધિકા સેને એક ઈન્ટરવ્યુમાં આ એવોર્ડ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “તે ખરેખર મારા માટે સન્માનની વાત છે. મને માત્ર મારી ટીમ જ નહીં, પરંતુ મારા તમામ સાથીદારો, શાંતિ રક્ષકો અને ખાસ કરીને મારા દેશ ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળે છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય મંચ પર તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ એક એવી લાગણી છે જેનું વર્ણન કરી શકાતું નથી.”

રાધિકા સેન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિને મળ્યા

મેજર રાધિકા સેન ભારતીય મિશન ખાતે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિકા કંબોજને પણ મળ્યા હતા. રૂચિકા કંબોજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુલાસો કર્યો છે.

તમને જણાવી દઈએ કે મેજર સેન માર્ચ 2023થી એપ્રિલ 2024 સુધી ભારતીય રેપિડ ડિપ્લોયમેન્ટ બટાલિયનના કમાન્ડર તરીકે કોંગો રિપબ્લિકના પૂર્વમાં તૈનાત હતા. તે મૂળ હિમાચલ પ્રદેશનાં છે. તેમનો જન્મ 1993માં થયો હતો અને તેઓ આઠ વર્ષ પહેલા ભારતીય સેનામાં જોડાયા હતા. મેજર રાધિકા સેન બાયોટેક એન્જિનિયરમાં સ્નાતક થયા, ત્યારબાદ જ તેમણે ભારતીય સેનામાં જોડાવાનું નક્કી કર્યું.

રાધિકા સેને એંગેજમેન્ટ પ્લેટૂરનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવ્યો

રાધિકા સેને જણાવ્યું કે મુખ્ય ઉદ્દેશ્ય લોકોને કંઈક અલગ કરવા માટે પ્રેરિત કરવાનો હતો. “કોઈપણ સંઘર્ષના ક્ષેત્રમાં, મહિલાઓ અને છોકરીઓ અપ્રમાણસર રીતે પ્રભાવિત થાય છે,” મેજર સેને વધુમાં જણાવ્યું હતું કે તેમના અને તેમની ટીમના પ્રયાસો તે મહિલાઓ અને છોકરીઓ સુધી પહોંચવાના હતા. તેમની સાથે તેમની સમસ્યાઓ વિશે વાત કરીને તેમને તે સમસ્યાઓમાંથી બહાર કાઢવાનો હતો.

મેજર સેને કહ્યું, “આજના વિશ્વમાં, મહિલાઓ એકબીજાને ટેકો આપે અને સમાજમાં હાજર ભેદભાવપૂર્ણ ધોરણો સામે લડે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહિલાઓને સશક્તિકરણ કરવામાં રોજગાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સમય દરમિયાન પુરુષોને પણ મહિલાઓના સમર્થનની જરૂર છે. અમે મહિલાઓને તેમના અધિકારો વિશે શિક્ષિત કરતા હતા,” તમને જણાવી દઈએ કે હાલમાં ભારત યુએનમાં મહિલા સૈન્ય શાંતિ રક્ષકોનું 11મું સૌથી મોટું યોગદાન આપનાર દેશોમાંથી એક છે.