અમેરિકાના અનેક રાજ્યોમાં તોફાનના કારણે 22 લોકોના મોત થયા છે. અનેક મકાનો ધરાશાયી થયા છે. તોફાનના કારણે વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે.

ગયા અઠવાડિયે એક પછી એક મધ્ય અને દક્ષિણ અમેરિકામાં આવેલા શક્તિશાળી વાવાઝોડામાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. વાવાઝોડાને કારણે મોટી સંખ્યામાં મકાનો અને વ્યાપારી સંસ્થાઓ સંપૂર્ણપણે નાશ પામી છે, વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. ટેક્સાસ, ઓક્લાહોમા, અરકાનસાસ અને કેન્ટુકીમાં આવેલા વિનાશકારી વાવાઝોડાને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, દક્ષિણ ટેક્સાસથી લઈને ફ્લોરિડા સુધી, ભારે ગરમી અને ગરમીના મોજાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.

ચેતવણી જારી

હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે સોમવાર પછી ‘ઈસ્ટ કોસ્ટ’માં હવામાન વધુ ખરાબ થઈ શકે છે. હવામાનને ધ્યાનમાં રાખીને લાખો રજાઓ માણનારાઓને ‘ઈસ્ટ કોસ્ટ’થી પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. તે જ સમયે, નોર્થ કેરોલિનાથી મેરીલેન્ડ સુધી ટોર્નેડોની ચેતવણી જારી કરવામાં આવી છે. કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે ગંભીર હવામાનને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. બેશેરે સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમના રાજ્યમાં પાંચ લોકોના મોત થયા છે. ગવર્નરની ઓફિસે જણાવ્યું હતું કે, પશ્ચિમ કેન્ટુકીમાં કેલ્ડવેલ કાઉન્ટીમાં એક પડી ગયેલું વૃક્ષ કાપતી વખતે 54 વર્ષીય વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.

‘પાણી નથી અને વીજળી નથી’

અધિકારીઓએ જણાવ્યું કે ખરાબ હવામાનને લગતી ઘટનાઓમાં 22 લોકોના મોત થયા છે, જેમાં કુક કાઉન્ટીમાં સાત અને અરકાનસાસમાં આઠનો સમાવેશ થાય છે. કેન્ટુકીના ચાર્લસ્ટન શહેરમાં તોફાનના કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે અને વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. રવિવારે રાત્રે આવેલા વાવાઝોડાની સીધી અસર ચાર્લસ્ટન પર પડી હતી. ડોસન સ્પ્રિંગ્સના ફાયર ચીફ રોબ લિંટને કહ્યું, “અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઠેર ઠેર વૃક્ષો પડી ગયા છે. મકાનો તોડી પાડવામાં આવ્યા છે. વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. ત્યાં પાણી નથી અને વીજળી નથી.”