આ દિવસોમાં દેશના અનેક ભાગોમાં આકાશમાંથી આગ વરસી રહી છે. આ અતિશય ગરમીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તાપમાન સતત રેકોર્ડ તોડી રહ્યું છે. હીટસ્ટ્રોક અને હીટવેવના કારણે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડી રહ્યું છે. ઓડિશામાં પણ આવી જ સ્થિતિ છે. હાલમાં ઓડિશાના લોકોને આ કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી. આકરી ગરમી વધુને વધુ જીવલેણ બની રહી છે. ઓડિશામાં છેલ્લા 72 કલાકમાં સન સ્ટ્રોકથી 99 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

ઓડિશામાં સન સ્ટ્રોકના કારણે 141 લોકોના મોત
આ 99 મૃત્યુમાંથી 20 કેસની જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનરે જણાવ્યું છે કે આ કાળઝાળ ગરમી દરમિયાન સન સ્ટ્રોકના કારણે થયેલા મૃત્યુના કુલ 141 કેસ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે નોંધાયા છે, જેમાંથી 26 લોકો ગરમીના મોજાને કારણે મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ થઈ છે. બિહારના ઔરંગાબાદમાં ચૂંટણી ફરજ પર તૈનાત એક કોન્સ્ટેબલનું હીટસ્ટ્રોકથી મોત થયું હતું.

હાલ કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત નથી
તમને જણાવી દઈએ કે પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના 12 રાજ્યોમાં હીટ વેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી આકરી ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે. તે પછી ધીમે ધીમે થોડો ઘટાડો થશે. હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશામાં કેટલાક સ્થળોએ સોમવારે ગરમીનું મોજું ચાલુ રહી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન આ રાજ્યોની સાથે ઝારખંડમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.