South Korea: દક્ષિણ કોરિયાના ગિમ્હે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે રાત્રે પેસેન્જર પ્લેનના પૂંછડીના છેડે આગ ફાટી નીકળી હતી. આ આગ ત્યારે લાગી જ્યારે પ્લેન ટેક ઓફ કરવાની તૈયારી કરી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં 176 મુસાફરો સવાર હતા. તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
દક્ષિણ કોરિયાના ગિમ્હે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે રાત્રે મોટી દુર્ઘટના ટળી હતી. એરપોર્ટ પર પેસેન્જર પ્લેનમાં આગ લાગી હતી. આ આગ ત્યારે લાગી જ્યારે પ્લેન ટેક ઓફ કરવાની તૈયારી કરી રહ્યું હતું તે પહેલા જ પ્લેનના પાછળના ભાગમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં 176 મુસાફરો સવાર હતા. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
એર બુસાનનું A321 પ્લેન દક્ષિણ-પૂર્વીય શહેર બુસાનથી હોંગકોંગ જવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે વિમાનમાં આગ લાગવાની પ્રથમ માહિતી મળી હતી. જે બાદ ફાયર બ્રિગેડની 45 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટના રાત્રે 10.30 વાગ્યાની આસપાસ બની હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પ્લેન અને ફાયર બ્રિગેડના વાહનોની પાછળથી ધુમાડાના વાદળો નીકળી રહ્યા છે અને પ્લેનની આસપાસ ઘણા લોકો હાજર છે.
બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને ઇન્ફ્લેટેબલ સ્લાઇડનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેની હાલત ગંભીર નથી. ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. હાલ આગની ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
એક મહિનામાં આ બીજી પ્લેન ક્રેશ છે
દક્ષિણ કોરિયામાં એક મહિનામાં આ બીજી વિમાન દુર્ઘટના છે. ગયા વર્ષે પણ 29 ડિસેમ્બરે દક્ષિણ કોરિયામાં આવો જ અકસ્માત થયો હતો. મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જેજુ એરનું બોઇંગ 737-800 પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 181 લોકોમાંથી 179 લોકોના મોત થયા હતા, માત્ર બે જ લોકો જીવિત બચ્યા હતા. પ્લેનનું લેન્ડિંગ ગિયર કામ કરતું ન હતું, જેના કારણે પ્લેન રનવે પરથી સરકી ગયું, કોંક્રીટ સ્ટ્રક્ચર સાથે અથડાયું અને આગમાં ભડકો થયો.