Russia : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો તેલના ભાવ ઘટશે તો રશિયા-યુક્રેન યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થઈ જશે. હવે રશિયાએ ટ્રમ્પના આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.

રશિયાએ શુક્રવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ઘટાડો યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં કંઈ કરી શકશે નહીં. ટ્રમ્પે વ્હાઇટ હાઉસથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વાર્ષિક કાર્યક્રમને સંબોધિત કર્યો.

ગુરુવારે પોતાના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે તેલ નિકાસ કરનારા દેશોનું જોડાણ OPEC, યુક્રેનમાં લગભગ ત્રણ વર્ષ લાંબા યુદ્ધ માટે જવાબદાર છે કારણ કે તેણે તેલના ભાવ ખૂબ ઊંચા રાખ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, “જો કિંમત ઘટશે, તો રશિયા-યુક્રેન યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થઈ જશે.” રશિયાની આવકમાં ઇંધણનું વેચાણ મુખ્ય ફાળો આપે છે.

‘યુદ્ધ તેલના ભાવ પર આધારિત નથી’
ટ્રમ્પની ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવતા ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) ના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જવાબ આપ્યો. પેસ્કોવે કહ્યું કે યુક્રેનિયન સંઘર્ષ પશ્ચિમના દેશો દ્વારા રશિયન સુરક્ષા હિતોને ધ્યાનમાં લેવાના ઇનકારને કારણે શરૂ થયો. “યુદ્ધ તેલના ભાવ પર આધારિત નથી,” પેસ્કોવે પત્રકારોને જણાવ્યું. રશિયાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો, તે પ્રદેશોમાં રહેતા રશિયનો માટે ખતરો અને અમેરિકનો અને યુરોપિયનો દ્વારા રશિયાની સુરક્ષા ચિંતાઓને સંબોધવાનો ઇનકાર હોવાને કારણે આ સંઘર્ષ ચાલુ રહે છે. આનો તેલના ભાવ સાથે કોઈ સંબંધ નથી.”

પુતિન ટ્રમ્પ સાથે વાટાઘાટો કરવા તૈયાર છે
દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના અમેરિકન સમકક્ષ ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર છે. પેસ્કોવે પુતિનના એ નિવેદનોને પુનરાવર્તિત કર્યા કે યુક્રેનની નાટોમાં જોડાવાની યોજનાના પરિણામે રશિયાની સુરક્ષા માટે ખતરો અટકાવવા અને ત્યાં રહેતા રશિયન ભાષી લોકોનું રક્ષણ કરવા માટે તેમને ફેબ્રુઆરી 2022 માં યુક્રેનમાં સૈનિકો મોકલવા પડ્યા હતા.

ટ્રમ્પે રશિયાને ધમકી આપી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ધમકી આપી હતી કે જો યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે કોઈ કરાર નહીં થાય તો રશિયા પર કડક કર, ટેરિફ અને પ્રતિબંધો લાદવામાં આવશે.