PNS હુનૈન (F-273) એ પાકિસ્તાન નૌકાદળનું ‘યારમૂક’ (Yarmook) શ્રેણીનું ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) છે. આ જહાજ સપ્ટેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને જુલાઈ 2024માં પાકિસ્તાન નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઉત્તર અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળ અને પાકિસ્તાન નૌકાદળના યુદ્ધ જહાજો વચ્ચે અથડામણની ઘટના નોંધાઈ છે, જેનાથી પાકિસ્તાન નૌકાદળના યુદ્ધ જહાજ PNS હુનૈન પર સૌનું ધ્યાન ખેંચાયું છે. PNS હુનૈન (F-273) એ પાકિસ્તાન નૌકાદળનું ‘યારમૂક’ શ્રેણીનું ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) છે.

પાકિસ્તાનનો દાવો છે કે આ શ્રેણીનું ત્રીજું અને ‘બેચ-II’ (Batch-II) શ્રેણીનું પ્રથમ જહાજ છે. તેનું નિર્માણ રોમાનિયાના ગાલાતી શિપયાર્ડમાં ડચ કંપની ‘ડેમેન શિપયાર્ડ્સ’ની ડિઝાઈનના આધારે કરવામાં આવ્યું હતું. PNS હુનૈનની લંબાઈ આશરે 98 મીટર, પહોળાઈ 14.4 મીટર અને ડ્રાફ્ટ (પાણીમાં ડૂબેલો ભાગ) લગભગ 4 મીટર છે. તેનું ડિસ્પ્લેસમેન્ટ (વજન/કદ) આશરે 2,600 ટન છે અને તે લગભગ 22 થી 24 નોટ્સની મહત્તમ ગતિ પ્રાપ્ત કરી શકે છે.

આશરે 6,000 નોટિકલ માઈલની રેન્જ
તેની રેન્જ (કાર્યક્ષેત્રની મર્યાદા) આશરે 6,000 નોટિકલ માઈલ હોવાનું જણાવાય છે અને તે 40 દિવસ સુધી દરિયાઈ કામગીરી કરી શકે છે. આ જહાજમાં 60 થી 100થી વધુ કર્મચારીઓને સમાવવાની ક્ષમતા છે. તેના શસ્ત્રસરંજામમાં 30mmની ગન, 12.7mmની મશીન ગન અને સરફેસ-ટુ-સરફેસ (સપાટીથી સપાટી પર પ્રહાર કરતા) મિસાઈલ લોન્ચર્સનો સમાવેશ થાય છે.

હેલિકોપ્ટર અને UAV સંચાલન ક્ષમતા
PNS હુનૈનને બહુ-હેતુક (મલ્ટી-મિશન) જહાજ તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તે હેલિકોપ્ટર, UAV અને બે RHIB બોટનું સંચાલન કરવા સક્ષમ છે. તેમાં વિવિધ મિશન માટે મોડ્યુલ્સ સ્થાપિત કરવાની સુવિધા પણ છે. અહેવાલો સૂચવે છે કે ‘બેચ-II’ જહાજોમાં ઉન્નત હવાઈ સંરક્ષણ ક્ષમતાઓ પણ છે. દરિયાઈ સુરક્ષાથી લઈને ચાંચિયાગીરી વિરોધી કામગીરી સુધી
PNS હુનૈનનો ઉપયોગ મુખ્યત્વે દરિયાઈ સુરક્ષા, દરિયાકાંઠાની પેટ્રોલિંગ, EEZ (વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર) પર દેખરેખ, શોધ અને બચાવ કામગીરી, ચાંચિયાગીરી વિરોધી કામગીરી અને માનવતાવાદી સહાય મિશન માટે કરવામાં આવે છે. આ જહાજ સપ્ટેમ્બર ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને જુલાઈ ૨૦૨૪માં પાકિસ્તાન નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું; તે કરાચીમાં તૈનાત છે.

યારમૂક શ્રેણીનાં ચાર જહાજો
પાકિસ્તાન નૌકાદળની યારમૂક શ્રેણીમાં કુલ ચાર જહાજોનો સમાવેશ થાય છે: PNS યારમૂક, PNS તબુક, PNS હુનૈન અને PNS યમામા. આ જહાજોનો ઉદ્દેશ્ય હિંદ મહાસાગર ક્ષેત્રમાં પાકિસ્તાનની દરિયાઈ દેખરેખ અને પેટ્રોલિંગ ક્ષમતાઓને વધારવાનો છે.