તેમને ઉત્તર કોરિયામાં પ્રોપેગન્ડા માસ્ટર પણ કહેવામાં આવતા હતા
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પરિવારના સૌથી વફાદાર કિમ કી નામનું નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. કિમ કી નામ ઉત્તર કોરિયામાં એક એવી વ્યક્તિ હતી જેણે બે પેઢીઓ સુધી કિમ જોંગ ઉનના પરિવારની સેવા કરી હતી. તેઓ કિમના પરિવાર સાથે લોહીના સંબંધ ધરાવતા નહોતા, પરંતુ તેઓ 70ના દાયકાથી ઉત્તર કોરિયામાં મહત્વપૂર્ણ હોદ્દા પર હતા. તેમને ઉત્તર કોરિયામાં પ્રોપેગન્ડા માસ્ટર પણ કહેવામાં આવતા હતા.
એવું કહેવાય છે કે કિમ કી વર્તમાન સરમુખત્યારની એટલી નજીક હતા કે બંને અવારનવાર દારૂની મહેફિલ સાથે કરતા હતાં. તેમના નિધન બાદ ઉત્તર કોરિયામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કિમ જોંગ ઉને તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.
ઉત્તર કોરિયાના મીડિયાએ બુધવારે અહેવાલ આપ્યો કે તેમના દેશના ભૂતપૂર્વ પ્રચાર માસ્ટર કિમ કી નામનું 94 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 7 મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. રાજ્ય મીડિયાએ જણાવ્યું કે છેલ્લી ક્ષણે તેમના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, તે 2022થી સારવાર હેઠળ હતાં.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કિમ કી નામના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. લોકોએ જાહેર કાર્યક્રમોમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સરમુખત્યાર કિમ જોંગ ઉન પોતે તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લોકો રડતા પણ જોવા મળ્યા હતા.
કિમનું નામ ઉત્તર કોરિયામાં મોટું નામ હતું. તેણે દાયકાઓ સુધી કિમ પરિવારની સેવા કરી. તેઓ કિમ જોંગ ઉનના પિતાના સમયથી દેશ માટે પ્રચારના વડા હતા. તેમને ઉત્તર કોરિયામાં પ્રચાર વિભાગની કમાન સોંપવામાં આવી હતી. 1966માં તેમની સેવા શરૂ કર્યા પછી, કિમ કી નામે 2017માં નિવૃત્તિ લીધી. કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઇલ સાથે તેના કથિત રીતે ગાઢ સંબંધ હતા, ઘણા મીડિયા અહેવાલો જણાવે છે કે બંને ઘણીવાર રાત્રિના સમયે દારૂ પીતા હતા.
કિમનું નામ જુઠ્ઠાણાને સાચુ કરવામાં માહેર હતું
દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સીએ તેમની તુલના નાઝી જર્મનીના પ્રચાર વડા જોસેફ ગોબેલ્સ સાથે કરી હતી. કિમ કી નામ એક એવી વ્યક્તિ હતી જે અસત્ય ફેલાવવામાં અને તેને સત્યમાં ફેરવવામાં માહિર હતી. 1966માં તેમને પ્યોંગયાંગના પ્રચાર અને આંદોલન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે વર્તમાન સરમુખત્યાર કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઇલ સાથે નજીકથી કામ કર્યું હતું. કિમ કી નામે બાદમાં વિભાગનું નેતૃત્વ કરવાનું શરૂ કર્યું, તેમણે દેશ માટે જોરદાર પ્રચાર કર્યો.