દેહરાદૂન: કેદારનાથમાં આ વખતે દર્શન માટે રેકોર્ડ શ્રદ્ધાળુ પહોંચી રહ્યા છે. આ વખતે 10 મે થી 24 મે સુધી 15 દિવસમાં જ 4 લાખ 47 હજાર યાત્રીઓ કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે. સ્થિતિ એ છે કે 2013ની આપત્તિ પહેલા જેટલા યાત્રીઓ સમગ્ર યાત્રાકાળમાં આવતાં હતાં, તેટલા આ વખતે લગભગ 20 દિવસમાં જ દર્શન કરા છે. 2012માં સમગ્ર છ મહિના ના યાત્રાકાળમાં પાંચ લાખ 73 હજાર યાત્રીઓ કેદારનાથ આવ્યા હતા.

જૂન 2013માં જ્યારે કેદારનાથમાં આપત્તિ આવી તો યાત્રા બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ કેદારનાથ યાત્રાને લઈને સંશય બન્યો હતો, ત્યારે એવું લાગતું હતું કે કેદારનાથમાં હવે ઓછી સંખ્યામાં શ્રદ્ધાળુ આવશે, પરંતુ એવું નથી થઇ રહ્યું, કેદારનાથ પ્રત્યે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓની આસ્થા વધતી જઈ રહી છે. દર વર્ષે કેદારનાથ યાત્રા નવા રેકોર્ડ બનાવી રહી છે. આ વર્ષે કેદારનાથ મંદિરના કપાટ 10 મેના દિવસે ખુલ્યા હતા.

16 કિલોમીટર પગપાળા અંતર કાપવું પડે છે

બદ્રીનાથ મંદિર સુધી સીધું વાહન જવાની સુવિધા છે, જ્યારે કેદારનાથ ધામ માટે ગૌરીકુંડથી અંદાજે 16 કિલોમીટરનું પગપાળા અંતર કાપવું પડે છે. આ રસ્તો અનેક જગ્યાએ ઊભી ચઢાણવાળો છે.

પહેલા બદ્રીનાથ જતા હતા સૌથી વધુ શ્રદ્ધાળુ

પહેલા ચારધામમાં સૌથી વધુ યાત્રીઓ બદ્રીનાથ મંદિરના દર્શન માટે આવતા હતા, પરંતુ હવે કેદારનાથ ધામમાં બદ્રીનાથથી વધુ યાત્રીઓ આવી રહ્યા છે. ગયા વર્ષે યાત્રા સીઝનમાં કેદારનાથના દર્શન માટે 19 લાખ 61 હજાર યાત્રીઓ આવ્યા હતા અને બદ્રીનાથના દર્શન 18 લાખ 34 હજાર શ્રદ્ધાળુઓએ કર્યા હતા.

યાત્રીઓ માટે વાહનોની પૂરી વ્યવસ્થા

યાત્રાના નોડલ અધિકારી આરટીઓ દેહરાદૂન સુનીલ શર્માએ જણાવ્યું કે ગયા વર્ષે આઠ લાખ યાત્રીઓએ કોમર્શિયલ વાહનો દ્વારા ચારધામની યાત્રા કરી હતી. બાકી યાત્રીઓ પોતાના વાહનો દ્વારા ધામો સુધી પહોંચ્યા હતા. જણાવાયું છે કે આ વખતે પણ કોમર્શિયલ વાહનો દ્વારા બે લાખથી વધુ યાત્રીઓ ચારધામના દર્શન કરી ચૂક્યા છે. યાત્રીઓ માટે પૂરતા વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.