સામ પિત્રોડાના નિવેદન બાદ ઐયરની ટિપ્પણી કોંગ્રેસ માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે

સામ પિત્રોડા બાદ હવે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરનો ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપતી વખતે તેમણે ફરીથી પાકિસ્તાન સાથે વાતચીતની હિમાયત કરી હતી. સામ પિત્રોડાના નિવેદન બાદ ઐયરની ટિપ્પણી કોંગ્રેસ માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે. અય્યરે ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ અને તેમને સન્માન આપવું જોઈએ. પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. જો આપણે પાકિસ્તાનનું સન્માન નહીં કરીએ અને કોઈ પાગલ નેતા આવીને પરમાણુ બોમ્બ ફેંકી દે તો આપણે શું કરીશું?

અય્યરે કહ્યું, “પાકિસ્તાન એક એવો દેશ છે જેનું ભારત દ્વારા સન્માન કરવું જોઈએ. તે સન્માન જાળવી રાખીને તમે ગમે તેટલી કડક વાત કરી શકો છો, પરંતુ જો તમે તમારા હાથમાં બંદૂક લઈને ફરતા હોવ તો તેનાથી કંઈ જ ઉકેલાશે નહીં.  માત્ર તણાવ વધશે”

મણિશંકર ઐયરે કહ્યું કે આપણી પાસે એટમ બોમ્બ છે. જો આપણે તેને લાહોર સ્ટેશન પર છોડી દઈએ તો તેને માત્ર 8 સેકન્ડ લાગશે અને તેની રેડિયો એક્ટિવિટી અમૃતસર સુધી પહોંચી જશે. જો આપણે વિશ્વના નેતા બનવું હોય તો કોઈપણ મોટી સમસ્યાનું સમાધાન શોધવા માટે આપણા માટે સખત મહેનત કરવી જરૂરી છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી બધી મહેનત અટકી ગઈ છે.

સામ પિત્રોડાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ 8 મેનાં રોજ આવું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પિત્રોડાએ કહ્યું હતું કે આપણા દેશના દક્ષિણ ભારતીય લોકો આફ્રિકન જેવા દેખાય છે અને ઉત્તર-પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે. ઉત્તરના લોકો સફેદ દેખાય છે જ્યારે પશ્ચિમના લોકો આરબો જેવા દેખાય છે. પિત્રોડાના આ નિવેદનને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. એક તરફ ભાજપના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ કોંગ્રેસે આ મામલાથી દૂરી લીધી છે.