Maharashtra: મહારાષ્ટ્ર લવ જેહાદ: બળજબરીથી ધર્માંતરણ અને લવ જેહાદના મામલાઓ પર કડક વલણ અપનાવતા મહારાષ્ટ્ર સરકારે તેના પર કાયદો બનાવવા માટે સાત સભ્યોની સમિતિની રચના કરી છે.
બળજબરીથી ધર્માંતરણ અને લવ જેહાદના મામલાઓ પર કડક વલણ અપનાવતા મહારાષ્ટ્ર સરકારે તેના પર કાયદો બનાવવા માટે સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ રાજ્યની વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ કરશે અને આ અંગે યોગ્ય કાયદાકીય પગલાંની ભલામણ કરશે. આ સમિતિનું નેતૃત્વ મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક (DGP) કરશે. તેમાં મહિલા અને બાળ વિકાસ, લઘુમતી કલ્યાણ, કાયદો અને ન્યાયતંત્ર, સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગના સચિવો અને ગૃહ વિભાગના બે પ્રતિનિધિઓનો સમાવેશ થશે. શુક્રવારે મોડી રાત્રે જારી કરાયેલા સરકારી ઠરાવ (GR)માં પણ લવ જેહાદ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ કમિટી બળજબરીથી ધર્માંતરણ અંગે અન્ય રાજ્યોમાં બનેલા કાયદાઓનો અભ્યાસ કરશે અને મહારાષ્ટ્રમાં આવો કાયદો લાગુ કરવાની શક્યતાઓ પર વિચાર કરશે. ઉપરાંત, આ સમિતિ રાજ્યમાં ‘લવ જેહાદ’ અને બળજબરીથી ધર્માંતરણના કેસોની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને તેની સાથે નિપટવા માટેના પગલાં અંગે પોતાની ભલામણો આપશે.
રાજકીય વિરોધ અને સમર્થન
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રઈસ શેખે સરકારના આ પગલાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર પાસે આવા કેસનો કોઈ નક્કર ડેટા નથી અને તે ધર્માંતરણના મુદ્દાને ‘જેહાદ’ ગણાવીને માત્ર રાજનીતિ કરી રહી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સરકારે અગાઉ 1 લાખથી વધુ ‘લવ જેહાદ’ કેસની વાત કરી હતી. પરંતુ હજુ સુધી એક પણ કેસમાં નક્કર પોલીસ કેસ નોંધાયો નથી. તેમણે આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પહેલા જ કહી ચુક્યા છે કે રાજ્ય સરકાર બળજબરીથી ધર્માંતરણના મામલા પર કાયદો લાવવાની યોજના બનાવી રહી છે. ખાસ કરીને એવા કિસ્સાઓમાં કે જ્યાં ધર્મ પરિવર્તન પછી લગ્ન થાય છે. તેમણે કહ્યું કે આ સંદર્ભે ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં લાગુ કાયદાઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે તેઓ 2023માં મહાયુતિ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. ત્યારે તેમણે આવા કાયદાની જરૂરિયાત અંગે વિધાનસભામાં નિવેદન પણ આપ્યું હતું.
જનપ્રતિનિધિઓ અને સંસ્થાઓની માંગ
સરકારી પ્રસ્તાવ મુજબ, ઘણા જનપ્રતિનિધિઓ, સંગઠનો અને નાગરિકોએ બળજબરીથી ધર્માંતરણ અને લવ જેહાદને રોકવા માટે કાયદો બનાવવાની માંગ કરી હતી. આ સમિતિને આ મુદ્દાને લગતા કાયદાકીય પાસાઓની સમીક્ષા કરવા અને રાજ્ય સરકારને યોગ્ય સૂચનો આપવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. કમિટી પોતાનો રિપોર્ટ રજૂ કર્યા બાદ રાજ્ય સરકાર કાયદો બનાવવા અંગે અંતિમ નિર્ણય લેશે. જો આ કાયદો લાગુ કરવામાં આવે છે, તો તે મહારાષ્ટ્રમાં બળજબરીથી ધર્મ પરિવર્તન અને લવ જેહાદના કિસ્સાઓને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. જો કે આ મુદ્દે રાજકીય વિવાદ જારી રહે તેવી શક્યતા છે.