કઝાકિસ્તાનના એક પૂર્વ મંત્રી પર તેની પત્નીને માર મારવાનો આરોપ લાગ્યો છે. આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં, તેના પ્રમુખ કાસિમ જોમાર્ટ ટોકાયેવે ન્યાયી સમાજ બનાવવાનું વચન આપ્યું હતું. આવી સ્થિતિમાં આ મામલાને ટોકાયેવ માટે લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. 31 વર્ષીય સલ્તનત નુકેનોવા તેના પતિ કુઆંદિક બિશિમ્બાયવેના સંબંધીની માલિકીની રેસ્ટોરન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટના ગયા વર્ષે નવેમ્બરમાં બની હતી. આ દંપતીએ લગભગ આખો દિવસ અને એક રાત આ રેસ્ટોરન્ટમાં વિતાવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તે ઘણા કલાકો સુધી બેભાન રહી અને બાદમાં તેનું મૃત્યુ થયું.

રિપોર્ટ અનુસાર આ મામલે તાજેતરમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટને પૂર્વ અર્થવ્યવસ્થા મંત્રી 44 વર્ષીય કુઆંદિક બિશિમ્બાયવેનું 8 કલાક લાંબુ ફૂટેજ બતાવવામાં આવ્યું હતું, જેમાં તે પોતાની પત્ની નુકેનોવાને મારતો જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં બિશિમ્બાયવેને ઘણી વખત લાત અને મુક્કા મારતા જોવા મળ્યા હતા. તે તેણીને તેના વાળથી એક અલગ રૂમમાં ખેંચતો જોવા મળ્યો હતો જ્યાં કેમેરા નહોતા. સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે પીડિતાએ ટોયલેટમાં છુપાઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને બિશિમ્બાયવે દરવાજો તોડીને તેને બહાર કાઢી અને ફરીથી મારવાનો પ્રયાસ કર્યો. પૂર્વ મંત્રીએ તેની પત્નીને ટોયલેટમાંથી ખેંચીને બહાર કાઢ્યા બાદ તેનું ગળું દબાવી દીધું, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી.

લોહીથી લથપથ ફ્લોર પર પડેલી જોવા મળી

સલ્તનત નુકેનોવા લોહીથી લથપથ ફ્લોર પર પડેલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પત્નીને માર માર્યા બાદ મંત્રીએ ડોક્ટરને ફોન કર્યો. લગભગ 12 કલાક પછી એમ્બ્યુલન્સ આવી, પરંતુ મેડિકલ સ્ટાફે તેને સ્થળ પર જ મૃત જાહેર કરી હતી. મેડીકલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તેનું મૃત્યુ મગજના આઘાતને કારણે થયું છે. તેના નાકનું એક હાડકું તૂટી ગયું હતું અને તેના ચહેરા, માથા, હાથ પર અનેક ઈજાના નિશાન હતા. આ કેસમાં મંત્રી પર નિર્દય હિંસા સાથે ત્રાસ અને હત્યાનો આરોપ છે. તેને 20 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ અંગે સોશિયલ મીડિયા યુઝર્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને લોકો આરોપી નેતાને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.