oman: ભારત આવી રહેલા ‘એમવી કેપ ડાઓ’ (MV Cape Dao) નામના કાર્ગો જહાજ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. ભારતીય દૂતાવાસે બુધવારે આ અંગે પુષ્ટિ કરી હતી. દૂતાવાસ જહાજ પર સવાર અન્ય વ્યક્તિઓની સુરક્ષા અંગે ઓમાનના સત્તાવાળાઓના સંપર્કમાં છે.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જહાજ પર કુલ ૧૯ ભારતીય નાગરિકો સવાર હતા. દૂતાવાસે ભારતીય નાગરિકના મૃત્યુ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી
દૂતાવાસે જણાવ્યું હતું કે તેઓ RPSL (રિક્રૂટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સર્વિસ લાયસન્સી) સાથે સંકલન સાધી રહ્યા છે અને મૃતકના પરિવારના સંપર્કમાં છે. જોકે, ‘એમવી કેપ ડાઓ’ પર હુમલો કોણે કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. દૂતાવાસે ઉમેર્યું હતું કે તેઓ તમામ ક્રૂ સભ્યોની સુરક્ષા અંગે ઓમાનના સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.

મૃતકની ઓળખ જાહેર
‘X’ પરની એક પોસ્ટમાં, ‘ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઈન્ડિયા’ (FSUI) એ મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી સૂરજ યાદવ તરીકે કરી છે. તેઓ જહાજ પર ‘વાઈપર’ (wiper) તરીકે ફરજ બજાવતા હતા. યુનિયને જણાવ્યું હતું કે, “એક વધુ ભારતીય નાવિકે પોતાનો જીવ ગુમાવ્યો છે.” સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે ભારત તરફ જઈ રહેલા ‘એમવી કેપ ડાઓ’ પર થયેલા હુમલા બાદ યાદવનું મૃત્યુ થયું હતું.