India-Pakistan War : ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે ગુજરાત અને ભારત સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રખાઈ હતી. આ દરમિયાન નડિયાદમાં મીલ રોડ પર કલ્યાણ કુંજની સામે રહેતા 18 વર્ષિય સાયબર આતંકી જસીમ શાહનવાઝ અંસારી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે Anonsec નામનુ ટેલીગ્રામ ગૃપ બનાવી ભારત દેશની અલગ અલગ વેબસાઇટોને DDOS એટેક દ્વારા ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો હતો.

તેમજ તેનો સ્ક્રીનશોટ લઇ તેમાં નીચે ભારત દેશ વિરોધી ઉશ્કેરણીજનક લખાણો ટેલીગ્રામ ગૃપમાં પોસ્ટ કર્યા હતા. પોલીસે બંને આરોપીઓના મોબાઈલ કબ્જે લઈ તપાસાર્થે મોકલ્યા હતા અને ફલિત થતા આજે એ.ટી.એસ.ની ટીમે તેમની ધરપકડ કરી છે.

ગુજરાત એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે જાણવા જોગ નોંધ કર્યા બાદ સાયબર આતંકી અને અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અંગે બાતમી મળી હતી. જે બાદ શકમંદ ઇસમ જસીમ શાહનવાઝ અંસારી તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના મોબાઈલ FSL ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. FSL ગાંધીનગરના રિપોર્ટમાં ઉપરોક્ત બાતમીની ખરાઈ થતા જસીમ શાહનવાઝ અંસારી (ઉં.18, ધંધો-અભ્યાસ)ની પુછપરછ કરી હતી.

જેમાં જણાયુ હતુ કે, આ જસમી અને અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ભેગા મળી સાયબર વોર છેડવા અને ભારત સરકારની વેબસાઈટો ટારગેટ કરવા આઇ.ડી.માં EXPLOITXSEC નામથી ચેનલ ચાલુ કરેલ, જે બાદ @YourMindFvcker આઈ.ડી.થી EXPLOITXSEC ચેનલ માટે બેક-અપ ચેનલ ELITEXPLOIT ની બનાવી તેનુ નામ બદલી Anonsec કર્યુ હગતુ. આ ઈસમો ભારત સરકાર તથા વિવિધ રાજ્ય સરકારોની વેબસાઈટોને ડાઉન કરવા ડી.ડી.ઓ.એસ. સાયબર ટેરર એટેક કરતા હતા.

ઉપરોક્ત ઈસમો દ્વારા એપ્રિલ અને મે મહિના દરમિયાન ભારત સરકાર તથા રાજ્ય સરકારોની વિવિધ 50થી પણ વધારે વેબસાઈટ ઉપર સાયબર એટેક કર્યો હતો. ત્યારબાદ ઇસમો દ્વારા તેના સ્ક્રીનશોટ ટેલીગ્રામ ચેનલ Anonsec ઉપર પોસ્ટ કરી તેની સાથે ભારત વિરુદ્ધ ઉશ્કેરીજનક લખાણ પોસ્ટ કર્યા હતા. આ અંગે એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે ગઈકાલે 19 મે ના રોજ આરોપી જસીમ શાહનવાજ અંસારી તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરૂદ્ધ ધી ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 43 તથા 66(એફ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અસીમની અટકાયત કરી છે.

સાયબર આતંકીએ આતંકવાદના સમર્થન કર્યુ

પહેલગામ આતંકવાદી હુમલાનાં જવાબમાં ભારત સરકાર દ્વારા 7 મે ના રોજ કરવામાં આવેલા ઓપરેશન સિંદુરનો દ્વેષ રાખી દેશ ઉપર સાયબર આક્રમણ વધુ તેજ કરવાના હેતુસર 7 મે ના રોજ ભારત સરકાર તથા વિવિધ રાજ્ય સરકારોની 20 વેબસાઈટ ડી.ડી.ઓ.એસ.એટેક દ્વારા ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ ટેલીગ્રામ ગ્રુપમાં તેના વિશે “ભારતે ભલે આ શરૂ કર્યુ છે, પરંતુ તેને પૂર્ણ કરનારા અમે એકમાત્ર વ્યક્તિ હોઈશુ” લખાણ પોસ્ટ કર્યા હતા. 

50થી વધુ વેબસાઈટને ટાર્ગેટ કરી

અસીમ અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર દ્વારા ડી.ડી.ઓ.એસ. એટેક કરી ભારત સરકારના અતિ મહત્વના ક્ષેત્રો એવા ડિફેન્સ ક્ષેત્ર, ફાયનાંસ ક્ષેત્ર, એવિએશન ક્ષેત્ર, શહેરી વિકાસ સંસ્થાઓ, તથા રાજ્ય સરકારની વેબસાઈટોને નિશાન બનાવી 50થી પણ વધારે વેબસાઈટ ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે ભારતની રાષ્ટ્રિય સુરક્ષા, સાર્વભૌમત્વ ઉપરાંત દેશની અર્થવ્યવસ્થા અને શાંતિ-સલામતીને નુકશાન કરવા માટેનો એક આતંકવાદી પ્રયાસ ગણી એ.ટી.એસ. દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે.

શું છે DDOS સાયબર એટેક?

ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDOS)એ એક સાયબર હુમલો છે. જે લક્ષિત સર્વર અથવા નેટવર્કને ઘણા સ્રોતોમાંથી દૂષિત ટ્રાફિકથી ભરી દે છે, ઘણીવાર બોટનેટનો ઉપયોગ કરીને, તેના સંસાધનોને ડૂબી જવા માટે અને તેને કાયદેસર વપરાશકર્તાઓ માટે અનુપલબ્ધ બનાવે છે. આ હુમલાઓ ઓનલાઈન સેવાઓમાં વિક્ષેપ પાડી શકે છે, નાણાકીય નુકસાન કરી શકે છે અને કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચો..