વર્ષ 2023ને વિશ્વનું સૌથી વધુ ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે વર્ષ 2024ને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ બધા જ રેકોર્ડ તોડીને વર્ષ 2023 કરતા પણ વધારે ગરમ હોઈ શકે છે. દેશના ઘણા ભાગોએ એપ્રિલ-મે મહિનામાં હીટ વેવનો માર સહન કર્યો છે ત્યારે હજુ પણ હીટ વેવનો કહેર ચાલુ છે.

રાજસ્થાનના ફાલૌદી અને ચરુમાં તાપમાન 50 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. દેશના ઘણા ભાગોમાં પારો 40 ડિગ્રીથી વધારે છે, જયારે 40 ડિગ્રીથી વધુ તાપમાનની સ્થિતિને હીટ વેવ માનવામાં આવે છે. જો કે હવામાન વિભાગે ગરમીના કહેરથી 30 મે પછી રાહત મળવાની આગાહી કરી છે, પરંતુ ગરમીની સાચી અગ્નિ પરીક્ષાનો સામનો તો જૂનમાં થવાનો છે. સીધી વાત છે કે મે મહિના કરતા પણ જૂન મહિનામાં વધારે ગરમી પડવાની છે. જેને લઈનેIMDએ એલર્ટ જાહેર કર્યું છે.

IMD એ સોમવારે ચોમાસા અને હીટ વેવને લઈને સમીક્ષા બેઠક યોજી હતી, જેના પછી IMD એ જૂન મહિના માટે આગાહી જાહેર કરી છે. IMD અનુસાર, દક્ષિણ ભારત સિવાય સમગ્ર દેશમાં માસિક તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. જયારે દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે.

હીટ વેવને લઈને IMDએ કહ્યું છે કે જૂન મહિનામાં સામાન્ય કરતા વધુ ગરમી પડવાની સંભાવના છે. IMD અનુસાર, જૂન મહિનામાં મધ્ય ભારત અને ઉત્તર મધ્ય ભારતમાં વધુ ગરમી પડશે. એટલે કે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, યુપી, ગુજરાત અને મધ્યપ્રદેશના લોકોને મે મહિનાની સરખામણીએ જૂનમાં વધુ ગરમીનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં જૂન મહિનામાં 3 દિવસ માટે પડતી લૂને સામાન્ય માનવામાં આવે છે, પરંતુ આ વખતે IMDએ જૂન મહિનામાં 6 દિવસ સુધી હીટ વેવ રહેવાની આગાહી કરી છે.

મે મહિનામાં પડેલી ગરમીએ અને વધતા તાપમાને લોકોના પરસેવા છોડાવી દીધા છે. ત્યારે હવે જૂન મહિનામાં તાપમાન વધુ રહેવાની સંભાવના છે. દક્ષિણ ભારત સિવાય દેશના બધા જ ભાગોમાં ગરમી વધી રહી છે. ત્યારે IMD નું કહેવું છે કે મે મહિનામાં વધારે તાપમાન હોવાનું મુખ્ય કારણ વરસાદ ન પડવો છે. IMD દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, મેના પહેલા પખવાડિયામાં 5 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયા હતા, પરંતુ માત્ર 2 વરસાદ લાવી શક્યા હતા, જ્યારે 15 મેથી એક પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું નથી. જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ છે અને ગરમી રેકોર્ડ તોડી રહી છે.