J&Kમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર ઉધમપુર જિલ્લાના બસંતગઢમાં ચાલી રહ્યું છે. જેમાં સેના અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમે આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર અહીં બેથી ત્રણ આતંકીઓ ફસાયેલા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. અહીં બંને તરફથી વચ્ચે-વચ્ચે ગોળીબારના અવાજો આવી રહ્યા છે.
અનંતનાગમાંથી ત્રણ આતંકવાદી મદદગારોની ધરપકડ
આના એક દિવસ પહેલા જ સુરક્ષા દળોએ અનંતનાગમાં ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ દાઉદ અહેમદ ડાર, ઈમ્તિયાઝ અહેમદ રેશી અને શાહિદ અહેમદ ડાર તરીકે થઈ છે. ત્રણેય હસનપોરા તાવેલાના રહેવાસી છે.
હથિયારો મળી આવ્યા
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હસનપોરા તુલખાન રોડ પર સંયુક્ત બ્લોકમાં તપાસ દરમિયાન આતંકવાદીઓના સુત્રધારોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ તેમના કબજામાંથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. તેમાં એક પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન, 8 પિસ્તોલ રાઉન્ડ, એક ગ્રેનેડ અને એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ઉપરાંત ગુનાહિત સામગ્રીનો સમાવેશ થાય છે.