Venezuela Earthquake: વેનેઝુએલામાં બુધવારે આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ભૂકંપના જોરદાર આંચકાથી અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, જ્યારે મોટી જાનહાનિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપના આંચકા માત્ર વેનેઝુએલા સુધી સીમિત રહ્યા નહોતા, પરંતુ પડોશી દેશ કોલંબિયાની રાજધાની બોગોટા સુધી પણ અનુભવાયા હતા.
સ્થાનિક સમય અનુસાર સાંજે 6:04 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર રાજધાની કારાકાસથી પશ્ચિમ વિસ્તારમાં હોવાનું જણાવાયું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, વર્ષ 1900 પછી વેનેઝુએલામાં નોંધાયેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવી રહ્યો છે.
ભૂકંપ પાછળનું વૈજ્ઞાનિક કારણ
યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, વેનેઝુએલા કેરેબિયન અને દક્ષિણ અમેરિકન ટેક્ટોનિક પ્લેટોના સંગમ વિસ્તારમાં આવેલું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બંને પ્લેટો વચ્ચે સર્જાયેલી સ્ટ્રાઇક-સ્લિપ ફોલ્ટિંગ પ્રક્રિયાના કારણે આ ભૂકંપ આવ્યો હતો. આ પ્રક્રિયામાં પ્લેટો આડી દિશામાં એકબીજા સામે સરકે છે, જેના કારણે ધરતીકંપના જોરદાર આંચકા અનુભવાય છે.
USGSએ જણાવ્યું છે કે એક જ દિવસમાં આવેલા બે મોટા ભૂકંપ ટેક્ટોનિક ગતિવિધિમાં અસામાન્ય ઉથલપાથલ તરફ સંકેત આપે છે. આ કારણે આગામી દિવસોમાં વધુ આફ્ટરશોક અથવા વધુ શક્તિશાળી ભૂકંપ આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
કારાકાસ સહિત અનેક વિસ્તારોમાં વિનાશ
ભૂકંપની સૌથી વધુ અસર લા ગુએરા, અરાગુઆ, કારાબોબો અને ફાલ્કોન સહિતના ઉત્તર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી છે. રાજધાની કારાકાસમાં અનેક બહુમાળી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. કાટમાળ નીચે ફસાયેલા લોકો બચાવ માટે બૂમો પાડી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
ભૂકંપ બાદ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો અને મોબાઇલ નેટવર્ક ખોરવાઈ ગયા છે. લોકો ભયના માહોલ વચ્ચે રસ્તાઓ પર આશ્રય લેવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ છે અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે.
દેશભરમાં કટોકટી જાહેર
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વેનેઝુએલાની સરકારે દેશભરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા માટે વિશેષ ટીમોને તૈનાત કરવામાં આવી છે.
સરકારે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે, જેમાં દેશભરની ટ્રેન અને મેટ્રો સેવાઓ બંધ કરવી, શાળાઓ અને કોલેજોમાં વર્ગો સ્થગિત કરવો તેમજ મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટને તાત્કાલિક અસરથી બંધ કરવાનો સમાવેશ થાય છે.
બચાવ દળો કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત કામગીરી કરી રહ્યા છે. જોકે, અત્યાર સુધીમાં નુકસાન અને જાનહાનિના ચોક્કસ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.




