દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કાળઝાળ ગરમીને જોતા કામદારો માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, લેફ્ટનન્ટ ગવર્નરે બાંધકામ સ્થળ પર કામદારોને પાણી અને નાળિયેર પાણીનો પૂરતો જથ્થો આપવા સૂચના આપી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં ઘડાઓમાં પાણી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.
ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની આકરી ગરમીમાં પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અથવા તેમના મંત્રીઓ દ્વારા ‘સમર હીટ એક્શન પ્લાન’ પર હજુ સુધી કોઈ પગલાં ન લેવા બદલ ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી 20 મેથી આ કામ કરી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીની સરકાર હેઠળની ડીજેબી, પીડબ્લ્યુડી, એમસીડી અત્યાર સુધી આવું નથી કરી રહી. એટલું જ નહીં ઉપરાજ્યપાલે મુખ્ય સચિવને તાત્કાલિક બેઠક યોજવા સૂચના આપી છે.
દિલ્હીમાં ભારે ગરમીની સ્થિતિ યથાવત છે
તમને જણાવી દઈએ કે દિલ્હીમાં આકરી ગરમી યથાવત છે અને બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સામાન્ય તાપમાન કરતાં 2.8 ડિગ્રી વધુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેની હવામાન આગાહીની ચેતવણીમાં જણાવ્યું છે કે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીના મોજાની સ્થિતિ પ્રવર્તશે. સવારે 8:30 કલાકે હવામાં ભેજનું પ્રમાણ 43 ટકા હતું. શહેરના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસને પાર કરે તેવી શક્યતા છે.
મંગળવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે ગરમી જોવા મળી હતી અને દિલ્હીના કેટલાક ભાગોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું. IMD અનુસાર, આગામી થોડા દિવસો સુધી દિલ્હીમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેવાની ધારણા છે. હવામાન વિભાગે લોકોને ગરમીના મોજાને કારણે “સંવેદનશીલ લોકો માટે અત્યંત સાવધાની” રાખવા વિનંતી કરી છે.
વધતા તાપમાનને કારણે તમામ ઉંમરના લોકો ગરમી સંબંધિત બીમારી અને હીટ સ્ટ્રોકનો ભોગ બનવાની શક્યતા વધારે છે. શિશુઓ, વૃદ્ધો અને ગંભીર બીમારીઓ ધરાવતા લોકો માટે આ એક મુખ્ય સ્વાસ્થ્ય ચિંતા છે. IMDએ લોકોને ગરમી અને ડિહાઈડ્રેશનથી બચવાની સલાહ આપી છે.