China: સ્થાનિક એજન્સીઓ અનુસાર, ૧૬ જૂને ચીનના કિંઘાઈ પ્રાંતમાં સાંજે ૬:૪૦ વાગ્યે (સ્થાનિક સમય) પહેલો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ સતત સાત આંચકા આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર કિંઘાઈ પ્રાંતની રાજધાની શિનિંગથી ૫૬૭ કિલોમીટર દૂર આવેલું છે.
ઉત્તરપશ્ચિમ ચીનમાં સ્થિત કિંઘાઈ પ્રાંતમાં ૪૦ મિનિટના સમયગાળામાં આઠ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાંથી સૌથી શક્તિશાળી ભૂકંપ ૬.૩ ની તીવ્રતાનો હતો. ભૂકંપની ઊંડાઈ સપાટીથી ૧૦ કિલોમીટર નીચે હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક ચીની મીડિયા અનુસાર, વહીવટીતંત્રે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તાર માટે કટોકટી ચેતવણી જારી કરી છે. વધુમાં, રાહત અને બચાવ કામગીરી માટે કટોકટી ટીમોને તૈનાત કરવામાં આવી છે.
પહેલો આંચકો મંગળવારે સ્થાનિક સમય મુજબ સાંજે ૬:૪૦ વાગ્યે કિંઘાઈ પ્રાંતમાં અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર પ્રાંતીય રાજધાની શિનિંગથી આશરે ૫૬૭ કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.
૧ વ્યક્તિનું મોત, ૪ ઘાયલ
પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ચાર અન્ય ઘાયલ થયા છે. સરકારે બચાવ કામગીરી શરૂ કરી છે. દરમિયાન, ઘટનાની ગંભીરતાને જોતાં, નજીકની કોલસા ખાણોમાંથી કામદારોને પાછા બોલાવવામાં આવ્યા છે. સરકાર જાનમાલના નુકસાન અંગે વધુ માહિતી એકત્રિત કરી રહી છે.
અહેવાલો અનુસાર, રાહત અને બચાવ કામગીરી માટે બે ખાસ વાહનો અને દસ કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓ જાનહાનિના આંકડાઓનું મૂલ્યાંકન કર્યા પછી વધુ નિર્ણયો લેશે.
ક્વિંઘાઈ પ્રાંત ક્યાં આવેલો છે?
ઉત્તરપશ્ચિમ ચીનનો આ પ્રદેશ તિબેટીયન ઉચ્ચપ્રદેશની ધાર પર આવેલો છે અને તેને ભૂસ્તરશાસ્ત્રીય રીતે જટિલ માનવામાં આવે છે. ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો વચ્ચેના અથડામણને કારણે કિંઘાઈ પ્રાંત ભૂકંપની પ્રવૃત્તિ માટે સંવેદનશીલ છે.
આ પ્રદેશમાં ભૂકંપ સામાન્ય છે. જો કે, મંગળવારે અનુભવાયેલા આઠ મોટા સતત ભૂકંપની શ્રેણીએ ચીનમાં સ્થાનિક સ્તરે ગભરાટ ફેલાવ્યો છે.
જાપાનમાં ભૂકંપના આંચકા
આ દરમિયાન, જાપાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, જાપાનના ઇબારાકી પ્રીફેક્ચરમાં 5.5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જાપાન હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ મંગળવારે સ્થાનિક સમય મુજબ સાંજે 7:46 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ લગભગ 50 કિલોમીટરની ઊંડાઈએ હતું.




