આંધ્રપ્રદેશમાં આજે ટીડીપીના નેતૃત્વવાળી એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ ચોથીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. માહિતી મુજબ શપથવિધિમાં નીતીશ કુમાર સામેલ થયા ન હતા. ચંદ્રબાબુ નાયડુના શપથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા, નીતિન ગડકરી, એકનાથ શિંદે જેવા કદાવર નેતાઓ હાજર રહ્યા હતા પરંતુ નીતીશ કુમાર ક્યાંય દેખાયા નહોતા. આ ઘટના પરથી ફરી એકવાર એનડીએમાં બધું ઠીક છે કે નહીં તેવો સવાલ ઊઠ્યો છે.

આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની સાથે શપથ લેનારા 24 નેતાઓના નામ પણ ફાઈનલ થઈ ગયા હતા. જેમાં 3 મહિલા પણ છે. ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ અને તેલુગુ સ્ટારની સાથે જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણ પણ મંત્રી તરીકે શપથ લઈ ચૂક્યા છે. ચંદ્રાબાબુ નાયડુએ કેસરપલ્લી શહેરના આઈટી પાર્ક મેદાનમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે લીધા હતા. આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રજનીકાંત સહિત અનેક પ્રતિષ્ઠિત લોકોએ હાજરી આપી. જો કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્ક થવા લાગ્યા હતા.

નોંધનીય છે કે ચંદ્રબાબુ નાયડુ 1995માં પહેલીવાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. તે પછી, 2014માં આંધ્ર પ્રદેશનું વિભાજન થયા બાદ (તેલંગાણા એક અલગ રાજ્ય બન્યું), નાયડુ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા અને 2019 સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યું. આ પછી નાયડુ 2019ની ચૂંટણી હારી ગયા અને 2024 સુધી વિપક્ષના નેતા રહ્યા હતા. ત્યારે હવે 2024ની ચૂંટણીમાં ફરી એકવાર ટીડીપીના નેતૃત્વમાં એનડીએને આંધ્રપ્રદેશમાં ભવ્ય જીત મળી છે.